પૌરાણિક માન્યતા અનુસાર ગુરૂ રામાનંદજીના આર્શિવાદથી સંત કબીરનો જન્મ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં વિક્રમ સંવત ૧૩૯૮ના જેઠ માસની પૂનમે સોમવારે થયો હોવાનું કહેવાય છે.તેમના જન્મ પછી લોકલાજના કારણે વિધવા બ્રાહ્મણીએ આ બાળકને બનારસ પાસેના લહરતલા તળાવ કિનારે ત્યજી દીધેલ હતું. જેનો ઉછેર તેમના પિતા નિરૂ અને માતા નિમા કે જેઓ એક વણકર મુસ્લિમ પરીવારનાં હતાં તેમને કર્યો હતો તેવી લોવાયકા છે.આ દિવસે આજે પણ કબીરદાસજીનો જન્મ દિવસ તરીકે ઊજવાય છે. સંત કબીર ભારતના એક નીડર મહાન સમાજ સુધારક સંત, સ્પષ્ટ વક્તા, નિર્ગુણમાર્ગી સંત અને ધર્મનિરપેક્ષ આધ્યાત્મિક ધર્મસુધારક હતા, તેઓ એક જ ઇશ્વરને માનતા હતા.
સંત કબીરના ગુરૂ રામભક્ત સંન્યાસી રામાનંદ હતા. તેમનાં પત્નીનું નામ લોઇ, પૂત્રનું નામ કમાલ, પૂત્રીનું નામ કમાલી હતું. કબીરજી સંસારમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન જીવતા હતા. સંત કબીર એક જ ઈશ્વરમાં માનનારા અને આત્માની ખોજ પર ભાર મુકનારા હતા. મધ્યકાલિન યુગમાં ધર્મમાં ઘુસી ગયેલ સડો અને અંધવિશ્વાસ પર પોતાના દોહાઓ વડે પ્રહાર કર્યા અને દરેક ધર્મને પાસે લાવવા પ્રયત્ન કર્યા હતા.
કબીરનો અર્થ અરબી ભાષામાં ‘મહાન‘ થાય છે. તેમના ઉપદેશોના ગ્રંથને બીજક તરીકે ઓળખવામાં આવે છે. ગુરૂ ગ્રંથ સાહેબમાં તેમના ૨૦૦ પદો અને ૨૫૨ સાખીઓનો ઉપદેશના રૂપમાં સમાવેશ કરવામાં આવેલો છે. કબીરજીના ઘરમાં નિત્ય સંતોનો જમાવડો રહેતો હતો. કબીરજી ભણેલા ન હતા. મસિ કાગદ છુવો નહી,કલમ ગહી નહી હાથ..તેમને પોતે કોઇ ગ્રંથ લખ્યો નથી, તેઓ જે બોલ્યા તે તેમના શિષ્યોએ લખી લીધાં છે. કબીરજીની વાણીનો સંગ્રહ બીજકના નામથી પ્રસિદ્ધ છે.
તે સમયે એવી માન્યતા કહો કે અંધશ્રદ્ધા એવી હતી કે જેનું મૃત્યુ કાશીમાં થાય તેને વૈકુંઠ મળે છે અને જેનું મૃત્યુ મગહરમાં થાય છે તે જીવની અધોગતિ થાય છે, નરકમાં જાય છે, આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે જ્યારે તેમની ઉંમર એકસો વીસ વર્ષ પુરી થાય છે અને તેમને અંતસમય નજીક હોવાની જાણ થાય છે ત્યારે તેઓ અંત સમયે કાશી છોડીને મગહર ગયા હતા અને ત્યાં જ તેમણે ૧૫૧૮માં નાશવાન જગતને છોડીને પરમતત્વમાં લીન થયા હતા. આ પ્રસંગના માધ્યમથી તેમને જગતને ઉપદેશ આપ્યો કે સંતો ગુરૂ શરણમાં જઇ જ્ઞાન મેળવીને સ્વર્ગ અને નરકથી પર એક પ્રભુ પરમાત્માને જાણીને પરમાત્માને પ્રાપ્ત થાય છે. કબીરજીએ મગહરમાં શરીર છોડીને દુનિયાને સંદેશ આપ્યો કે સંસારના બધા સ્થાનો એક સમાન છે. તેમની મગહરમાં સમાધિ છે જેને હિન્દુ અને મુસલમાન બંન્ને પૂજે છે.
કબીરજીના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સુફી પંથમાં જોવા મળે છે.હિંદુ અને મુસલમાન બન્ને કબીર માટે સરખું માન ધરાવે છે.ભારત સરકાર દ્વારા ૧૯૫૨માં સંત કબીરના માનમાં પોસ્ટ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.નિર્ગુણ સંત કબીરના દોહાથી લોકો આકર્ષાઈ જતા હતા કારણ કે તેઓ સામાન્ય ઉદાહરણોથી જ લોકોને ‘બ્રહ્મ‘નું ઊંડું તત્વજ્ઞાન સમજાવી દેતા હતા.તેમના દોહા સાંભળતા મનને અનોખી શાંતિ પ્રાપ્ત થાય છે.
મૂર્તિપૂજાને લક્ષ્ય કરતાં તેમને લખ્યું કે પાહન પૂજે હરિ મિલે તો મેં પૂજુ પહાર,વા તે તો ચક્કી ભલી પીસી ખાય સંસાર.ગુરૂ વિશે કબીર સાહેબ કહે છે કે સાધો સો સદગુરૂ મોહે ભાવે,૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે..ગુરૂનું આ જ કામ છે.ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે.હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.જે તેમના આદેશ મુજબ ચાલે છે,તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે. જિન ઢૂંઢા તિન પાઇયા,ગહરે પાની પૈઠ,મૈં બાવરી ડુબનિ ડરી,રહી કિનારે બૈઠ.જે શોધ કરે નહી,ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્ત કરી શકશે? તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો છે.ગુરૂની પ્રાપ્તિના માટે હું અને મારાપણાનો ત્યાગ તથા અભિમાન રહિત નિષ્કપટ શોધની આવશ્યકતા છે.
સુમિરણ વિશે કબીરજીએ કહ્યું છે કે માલા તો કરમેં ફિરે જીભ ફિરે મુખ માંહી,મનુઆ તો દશો દિશામેં ફિરે યહ તો સુમિરણ નાહીં.માલા ફેરત જુગ ભયા ગયા ન મનકા ફેર,કરકા મનકા ડારી દે મનકા મણકા ફેર..મનનો સ્વભાવ છે અવગુણોની તરફ દોડવું.કોઇની નિન્દા કરવાની હોય,કોઇને નુકશાન થાય તેવી યોજના બનાવવાની હોય,વ્યભિચારની વાતો થતી હોય ત્યાં મન ઘણું જ રસપૂર્વક સાંભળતું હોય છે એટલે જ તો લોકો પોતાની પ્રસંશા કરવામાં અને સાંભળવામાં,બીજાના અવગુણોની ચર્ચા કરવામાં,ગપ્પાં મારવામાં,પોતાની મહત્તા વધારવામાં વ્યસ્ત જોવા મળે છે પરંતુ જો સત્સંગમાં જવાનું હોય,પ્રભુની ચર્ચા કરવાની હોય તો તેમની પાસે સમય હોતો નથી.મનની આ જ મૂઢતા છે કે પ્રભુ ભક્તિને છોડીને અસ્થાયી અને નિમ્ન કોટીના કામોમાં આનંદ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
સુમિરણકી સુધિ યોં કરો,જ્યો ગાગર પાનિહાર, હાલે ડોલે સૂરતમેં, કહે કબીર વિચાર..જેમ બહેનો પાણી ભરવા માટે નદી..તળાવ કે કૂવા ઉ૫ર જાય છે ત્યારે પાણી ભરેલું માટલું માથા ઉ૫ર હોય છે ત્યારે ચાલતાં ચાલતાં સહેલીઓ સાથે વાતચીત કરે છે..રસ્તાની આસપાસનાં દ્દશ્યોનું અવલોકન કરે છે.આ બધાં કાર્યો કરવા છતાં તેમનું ધ્યાન સુક્ષ્મ રીતે પાણી ભરેલા માટલામાં જ રહે છે અને તેથી ડગલેને ૫ગલે સંભાળીને ચાલે છે જેથી શરીરનું સંતુલન બનેલું રહે અને માથા ઉ૫રનું માટલું ૫ડી ના જાય..પ્રભુ સુમિરણમાં ૫ણ આવી અવસ્થા હોય છે કે તમામ કાર્યો કરવા છતાં ૫ણ ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં જ લાગેલું રહે છે.
દુઃખમેં સુમિરણ સબ કરે,સુખમેં કરે ના કોઇ,જો સુખમેં સુમિરણ કરે,દુઃખ કાહે કો હોય.દ્રો૫દીએ સુમિરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણએ આવીને તેની લાજ બચાવી,પ્રહ્લાદે જ્યારે પ્રભુને યાદ કર્યા તો હોલિકા ભસ્મ થઇ ગઇ અને પ્રહ્લાદની રક્ષા થઇ,નિભાડામાં રાખેલાં બિલાડીનાં બચ્ચાંની રક્ષા ૫ણ પ્રભુ સુમિરણના કારણે જ થઇ હતી.સુમિરણનો પ્રભાવ તમામ સિમાઓથી ૫ર હોય છે,તે હોનીને અનહોનીમાં બદલી શકે છે.પૂર્ણ સમર્પણથી કરવામાં આવેલ સુમિરણની શક્તિ કલ્પનાથી ૫ર હોય છે.સુમિરણથી અહંકાર મોહ-માયા ક્રોધ નિંદા નફરત લોભ-દ્વેષ વગેરે દોષો દૂર થાય છે.
નાત-જાત વિશે કબીરજી કહે છે કે જાતિ પાંતિ પૂછે નહી કોઇ,હરિ કો ભજે સો હરિકા હોઇ..ટૂંકમાં અહી જાતિ-પાંતિ,વર્ણ-આશ્રમ વગેરેથી સબંધિત અહંકારને છોડવાની પ્રેરણા આપી છે.સંતોષ વિશે કબીરજીએ કહ્યું છે કે ગોધન ગજધન બાજીધન ઔર રતનધન ખાણ,જબ આવે સંતોષ ધન સબ ધન ધુરિ સમાન..
મનુષ્ય જીવનમાં હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે તેના વિશે કબીરજીએ કહ્યું છે કે હરિસે જનિ તૂં હેત કર,હરિજનસે કર હે,ધન દૌલત હરિ દેત હૈ,હરિજન હરિ હી દેત..એટલે કે હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર કારણ કે હરિ તો ધન દૌલત,ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.સંસારને ક્ષણભંગુર બતાવતાં સંત કબીરજી કહે છે કે પાણી કેરા બુદ બુદા અસ માનસકી જાત,દેખત હી છીપ જાયેગા જ્યોં તારા પ્રભાત..એટલે કે જેમ સૂર્યોદય થતાં જ તારાઓ છુપાઇ જાય છે તથા પાણીનો પરપોટો ક્ષણભંગુર છે તેવી જ રીતે માનવશરીર ૫ણ વિનાશશીલ છે.આ જગત ૫રીવર્તનશીલ છે,આ દુનિયા ચાલી રહી છે પરંતુ અહીંયાં કોઇ કાયમ માટે રહેતું નથી.ફક્ત એક ૫રમાત્મા જ સ્થિર અને ગતિદાતા છે.
સહજ સમાધિ વિશે કબીરજીએ કહ્યું છે કે સહજ સમાધિ ભલી હો સંતો સહજ સમાધિ ભલી હો,જહાં જહાં જાઉં સોઇ પરિકમ્મા જો કછું કરૂં સોઇ પૂજા,આંખ ન મુંદું કાન ન રૂંધું કાયા કષ્ટ ન ધારૂં,ઉઘડે નયનસે સાહેબ દેખું સુંદર વદન નિહાળું..પરમતત્વને પામી ગયેલા કબીરજી કહે છે કે બુરા જો દેખન મૈં ચલા,બુરા ન મિલિયા કોઇ,જબ દિલ ખોજા અપના મુઝસે બુરા ન કોઇ..વર્તમાન સમયમાં બીજાની લીટીને ભુંસીને પોતાની લીટી મોટી બતાવનાર,બીજાને ખરાબ ચિતરી અમે કહીએ એ જ સાચું અને અમારા દ્વારા જ દુનિયા ચાલે છે એવા ભ્રમમાં રાચતા લોકોને તતડાવતાં કબીરજી કહે છે કે બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર,પંછીકો છાયા નહી,ફલ લાગે અતિ દૂર..
મંદિર-મસ્જીદ વગેરે ધર્મસ્થાનોમાં ભગવાનને શોધતા અને તેના માટે લડી મરતા લોકો માટે કબીરજી કહે છે કે મોકો કહાં ઢુંઢે બંદે મૈં તો તેરે પાસમેં,ના મૈ મંદિર,ના મૈં મસ્જિદ,ના કાબે કૈલાશમે..
મૃત્યુ વિશે ભક્ત કબીરજી લખે છે કે જિસ મરનેસે જગ ડરે મેરો મન આનંદ, મરનેસે હી પાઇએ પૂરણ પરમાનંદ..કારણ કે બ્રહ્મજ્ઞાનીની દ્રષ્ટિથી નાનત્વ સમાપ્ત થઇ જાય છે અને નાનત્વ એ જ મૃત્યુ છે.પ્રભુ પરમાત્માનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ મળી જાય.આનો અર્થ એ થયો કે સદગુરૂ મળવાથી મનુષ્ય મૃત્યુ ઉ૫ર વિજય પ્રાપ્ત કરી શકે છે.
આપણે ગમે તેટલા શક્તિશાળી હોઇએ છતાં એક દિવસ માટીમાં ભળી જવાના છીએ તો પછી પદ-પ્રતિષ્ઠા અને પૈસાનો ઘમંડ કેમ કરીએ છીએ? અહંકારશૂન્ય બન્યા પછી જ પોતે પોતાને ઓળખી શકીએ છીએ.માટી કહે કુંભારસે તૂં ક્યા રોંદે મોય,એક દિન ઐસા આયુગા મેં રોદુંગી તોય..
વિનોદભાઇ માછી નિરંકારી
૮૧૪૦૯૨૨૮૦૪(મો)