New Delhi, તા.17
કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા હિસ્સો તૈયાર થઈ ગયો છે. 13 એપ્રિલ 2026થી આ રૂટ પર ટ્રાયલ રન શરૂ કરાયા છે. આ 8 લેન એક્સપ્રેસ-વેના કારણે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું 1,386 કિ.મી.નું અંતર માત્ર 12 કલાકમાં કપાઈ જાય તેવી શક્યતા છે.
પંચમહાલના ગોધરા પાસેના ભામૈયા ગામથી વડોદરા પાસેના દોડકા ગામ સુધી એક્સપ્રેસ વેનો નવો હિસ્સો શરૂ થયો છે. આ રૂટથી ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે. આ એક્સપ્રેસ-વે પર વાહનોની સ્પીડ લિમિટ 100થી 120 કિમી/કલાક નક્કી કરવામાં આવી છે.
આ એક્સપ્રેસ-વે `એક્સેસ-કંટ્રોલ્ડ’ છે, એટલે કે તમે માત્ર નક્કી કરેલા સ્થળોએથી જ એન્ટ્રી કે એક્ઝિટ લઈ શકાશે. સમગ્ર એક્સપ્રેસ-વેમાં કુલ 90 એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ બનાવવામાં આવશે.
મે 2026ના અંત સુધીમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર સુધીનું કામ પૂર્ણ થવાની ધારણા છે. જ્યારે આખો એક્સપ્રેસ-વે ઝાબુઆ સુધી ખુલશે, ત્યારે મુસાફરોને મોટી રાહત મળશે. દિલ્હીથી ગુજરાત સુધીની સીધી કનેક્ટિવિટી 2026ના અંત સુધીમાં અને મુંબઈ સુધીનો સંપૂર્ણ રસ્તો આવતા વર્ષ સુધીમાં શરૂ થવાની શક્યતા છે.

