Himatnagar,તા.25
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં આવેલા મોદી ગ્રાઉન્ડ પાસે એક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.ફાયર વિભાગની લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રકમાં રહેલું લાખો રૂપિયાનું ઘાસ બળીને ખાખ થઈ ગયું છે અને ટ્રકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. આગને કારણે વિસ્તારમાં થોડો સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા ‘કૂલિંગ પ્રક્રિયા’ હાથ ધરવામાં આવી છે. જેથી ફરીથી આગ ન ભભૂકે. ભરચક વિસ્તારમાં લાગેલી આ આગને કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે ફાયર વિભાગની સતર્કતાને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાં સૂકું ઘાસ ભરેલું હતું. આ ટ્રક જ્યારે મોદી ગ્રાઉન્ડ પાસે ઉભી હતી, ત્યારે રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા પરથી પસાર થતા જીવંત વીજ તાર ઘાસને અડી ગયા હતા. સૂકું ઘાસ હોવાના કારણે વીજ કરંટના તણખા પડતાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, ઘાસના જથ્થાને કારણે આગ વધુ પ્રચંડ બનતા સ્થિતિને પહોંચી વળવા માટે બીજી ફાયર ટીમને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી.

