Mumbai, તા.2
ટીવી જગતનો લોકપ્રિય સિટકોમ `ભાભી જી ઘર પર હૈ’ અંગે દર્શકો માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, લગભગ 11 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો આ શો હવે બંધ થવાની કગારમાં છે.
થોડા સમય પહેલા જ `ભાભી જી ઘર પર હૈ 2.0′ તરીકે શો ફરી શરૂ થયો હતો, જેમાં શિલ્પા શિંદે અંગૂરી ભાભી તરીકે પરત ફરી હતી. પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેનલ &TVમાં ચાલી રહેલા મોટા ફેરફારોને કારણે આ શોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ નિર્ણય મેકર્સની ઇચ્છા મુજબ નહીં પરંતુ ચેનલની નવી રણનીતિને કારણે લેવાયો હોવાનું માનવામાં આવે છે.
મળતી વિગતો મુજબ, શોના છેલ્લા એપિસોડનું શૂટિંગ 5 એપ્રિલે કરવામાં આવશે, જ્યારે અંતિમ એપિસોડ 16 એપ્રિલ 2026 આસપાસ પ્રસારિત થવાની શક્યતા છે. નવા મેનેજમેન્ટ હેઠળ &TV ચેનલ મે 2026થી પેઇડ રીરન ચેનલ તરીકે પરિવર્તિત થવાની ચર્ચા છે.
જેમાં નવા શો કરતાં જૂના લોકપ્રિય કાર્યક્રમોના પુનઃપ્રસાર પર વધુ ભાર મૂકવામાં આવશે. શોના OTT પર જવાની ચર્ચાઓ પણ થઈ રહી હતી, પરંતુ હાલ એવી કોઈ પુષ્ટિ મળી નથી. 2015માં શરૂ થયેલો
આ શો લાંબા સમયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. જોકે, શોના મેકર્સ અથવા કલાકારો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ શો બંધ થવાના સમાચારથી ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે.

