Gandhinagar, તા.10
ગુજરાતમાં વાહનોની સંખ્યામાં મોટા વધારા સાથે માર્ગ અકસ્માતોમાં પણ ધરખમ-ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. માહિતી અધિકાર કાયદા હેઠળ સરકારે જાહેર કરેલી માહિતી મુજબ ગુજરાતમાં 2021 થી 2025 દરમિયાન 79054 માર્ગમાં દુર્ઘટનાઓમાં 38530 લોકોના મોત થયા હતા. રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો સતત વધી રહ્યાનું બહાર આવ્યું છે.
અમદાવાદના આરટીઆઇ કાર્યકર્તા મનોજ પટેલને માહિતી અધિકાર કાયદા હેઠળ આવેલી માહિતી મુજબ 2022માં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 9418 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2025માં દુર્ઘટનાનો આંકડો 16180 થયો હતો.
સરકારી માહિતીના આધારે એવું તારણ નિકળે છે કે દર કલાકે બે જીવલેણ અકસ્માતો નોંધાયા હતા અને તેમાં સરેરાશ એક વ્યક્તિ મૃત્યુને ભેટ્યો હતો. સરકાર તથા તંત્ર દ્વારા ટ્રાફિકના આકરા નિયમનો અને જાગૃતિ અભિયાન ચલાવવા છતાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો છે.
સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે માર્ગ અકસ્માતોમાં રાહદારીઓ તથા ટુ-વ્હીલર ચાલકો ભોગ બનતા હોવાનું પ્રમાણ વધુ છે. મોટાભાગના અકસ્માતોનું કારણ ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોનો ભંગ-બેદરકારી હોય છે. રાહદારીઓના ચાલવા માટે યોગ્ય સુવિધા નથી. ઉપરાંત ભાડે વાહનો પર દેખરેખ કે નિયંત્રણ માટે પગલાનો અભાવ પણ જવાબદાર છે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2.9 કરોડ રજીસ્ટર્ડ વાહનો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ રાહદારીઓ તથા સાયકલ સવારો માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારાયું નથી. રસ્તા જેમના તેમ છે અને તે પહોળા કરવા કે યોગ્ય વ્યવસ્થાના કદમ ઉઠાવવામાં આવ્યા નથી.
રાજ્યના ટ્રાફિક તંત્રના સીનીયર અધિકારીઓએ કહ્યું કે માર્ગ દુર્ઘટનાઓ રોકવા માટે સ્પીડ કેમેરા, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ જેવા કડક પગલા લેવાયા છે. વખતો વખત ખાસ ટ્રાફિક ડ્રાઇવ પણ યોજવામાં આવે છે. ઉપરાંત દુર્ઘટના માટેના ડેન્જર ઝોનમાં પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તંત્ર દ્વારા શ્રેણીબધ્ધ પગલા છતાં અકસ્માતો ઘટતા ન હોવાનું સ્વાભાવિક છે.
કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રીપોર્ટમાં જાહેર ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં કમી તરફ પણ આંગળી ચિંધવામાં આવી હતી. પરિવહન વિભાગ તથા આરટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમાં એવો ખુલાસો થયો હતો કે 5,36,634 વાહનોનું રજીસ્ટ્રેશન ખત્મ થઇ ગયું હોવા છતાં રોડ પર દોડી રહ્યા છે. આ વાહનોનું ફેર રજીસ્ટ્રેશન પણ થયું નથી કે ભંગારમાં પણ ગયા નથી.
આને કારણે સરકારી તિજોરીને 88.58 કરોડનું નુકશાન છે. આ સિવાય 1,91,977 વાહનો માન્ય પરમીટ પિના દોડી રહ્યા છે. પરમીટ આપવા માટે નિયત સમયગાળો છે તેના બદલે સરેરાશ 31થી 1808 દિવસો થાય છે. જ્યારે 4839 કિસ્સામાં તો 500 દિવસો પણ થઇ ગયા છે. 98169 વાહનો પરમીટ પુરી થઇ ગઇ હોવા છતાં માર્ગો પર દોડી રહ્યા છે.

