Sabarkantha,તા.03
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું મજરા ગામ આજે પણ પોતાની 500 વર્ષ જૂની અનોખી અને અડગ પરંપરાને કારણે સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હોળીના પર્વે અહીં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે, જ્યાં વિજ્ઞાન પણ નમતું જોખે તેવી ચમત્કારી ઘટનાઓ આજે પણ જીવંત છે.
મજરા ગામના સુપ્રસિદ્ધ ભૈરવનાથ મંદિરના ચોકમાં દર વર્ષે હોળીની રાત્રે એક વિશેષ વિધિ કરવામાં આવે છે. અહીં બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે – એક લાકડાંની અને બીજી છાણાંની. જ્યારે લાકડાંની હોળી સળગીને લાલચોળ અંગારાઓમાં ફેરવાય છે, ત્યારે શ્રદ્ધાનો ખરો અંશ જોવા મળે છે. ગામના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો આ ધગધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા પાંચ દાયકાથી ચાલતી આ પરંપરામાં હજુ સુધી એક પણ ભક્ત દાઝ્યો હોય તેવો બનાવ બન્યો નથી. ગ્રામજનો આ ચમત્કારને દાદા ભૈરવનાથની અસીમ કૃપા માને છે.

