Rajkot,તા.૨૨
કોઠારીયાના વોર્ડ નં.૧૮માંથી હોકર્સ ઝોનની શાકબકાલા માર્કેટના ધંધાર્થીઓ મહાપાલિકાએ દોડી આવ્યા હતા. તેમને જરૂર મુજબની જગ્યામાં ધંધો કરવા દેવાની માંગણી સાથે કમિશનરને રજુઆત કરી હતી અને દબાણ હટાવ વિભાગ હેરાન કરતો હોવાની ફરિયાદ પણ કરી હતી.
શાકભાજીના ધંધાર્થીઓએ કોર્પો.ના પ્રાંગણમાં જ બકાલાનો ઢગલો કર્યો હતો. લીંબુ-મરચાના હાર ગળામાં પહેર્યા હતા. તો જે રીતે થડો પાથર્યો હોય તે જ રીતે શાકભાજી કેરેટ પર મુકીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
૨૨/બી ગોપવંદના હોકર્સ ઝોનના પ્રમુખ પરેશ રાઠોડ સહિતના ધંધાર્થીઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે, આ ઝોનમાં ૩પ જેટલા થડાધારકોને નોટીસ ફટકારવામાં આવી છે. નિયમ મુજબ રેંકડી, કેબીનની સાઇઝ ૪૮ રાખવાની હોય છે. જેનો ભંગ કરવામાં આવે છે તેવું કહીને લાયસન્સ રદ્દ કરવા ચેતવણી આપવામાં આવી છે.આ હોકર્સ ઝોનમાં મનપાને માસિક રૂા.૧૧૮૦ ભાડુ અને સફાઇ ચાર્જ ચુકવવામાં આવે છે. અહીં કોર્પો.ના કર્મચારીઓ ચેકીંગ માટે આવતા રહે છે અને ૩પ ધંધાર્થીને ૪૮ કરતા વધુ જગ્યા પર શાકભાજી રખાતા હોવાની નોટીસ ફટકારવામાં આવી છે. કયારેક શરતચુકથી વધુ શાકભાજી રાખવામાં આવી હોય તો તેઓ માફી માંગે છે. ખરેખર તો તેઓને એક ફુટ વધુની જગ્યાની જરૂર છે.
આ જગ્યાએ સ્ટાફ દ્વારા હેરાનગતિના અનુભવ થઇ રહ્યા છે. આટલી મોંઘવારીમાં ધંધો બંધ થઇ જાય તો વધુ મુશ્કેલી થાય તેમ છે. આથી આ શાકમાર્કેટના વેપારીઓ માટે વ્યવહારૂ રસ્તો શોધી આપવા ધંધાર્થીઓએ કમિશનરને રજુઆત કરી છે.વોર્ડ નં.૪માં આવેલ ગોપવંદના વિસ્તારના હોકર્સ ઝોનમાં ધંધો કરતા શાકભાજીના વેપારીઓ આજે મહાપાલિકાએ બકાલા સાથે દોડી આવ્યા હતા. આ ઝોનમાં જરૂર મુજબની જગ્યામાં ધંધો કરવા દેવા તેઓએ રજુઆત કરી હતી.

