Valsad,તા.૧૩
વાપીના ડુંગરા કોલોની વિસ્તારમાં આવેલા એક વૈભવી બંગલામાંથી ચાલતા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો વલસાડ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ડિજિટલ અરેસ્ટના નામે વિદેશી નાગરિકોને ડરાવી-ધમકાવી કરોડોની છેતરપિંડી આચરતા આ રેકેટમાં પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે.
Valsad એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના ડુંગરા કોલોની વિસ્તારમાં આવેલા એક આલીશાન બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, અહીંથી આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. વલસાડ એસઓજી પોલીસે સ્થળ પરથી ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ૫ આઈફોન, ૭ લેપટોપ, ૧૬ પ્રીમિયમ મોબાઈલ ફોન સહિત અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.
આ મામલે માહિતી આપતા વલસાડ એસ.પી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આરોપીઓ વિદેશી નાગરિકોને ફોન કરીને પોતાને સરકારી એજન્સીના અધિકારી તરીકે ઓળખાવતા અને “તમારા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યા છે” અથવા “તમારા નામે ગેરકાયદેસર વ્યવહારો થયા છે” જેવી વાતો કરીને લોકોને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવતા હતા.
આ આરોપીઓ ઈન્ટરનેટ આધારિત કોલિંગ સિસ્ટમ અને એકસ લાઇટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો સુધી પહોંચતા હતા અને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના મહારાષ્ટ્રના મુંબઈ અને માલેગાંવ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
જેની ધરપકડ થઇ છે તેમાં – મહેન્દ્ર સાવળા (મુ. હાલાર રોડ, મુંબઈ) – યુગલ રાવ (મુ. વિઠ્ઠલ રોડ, મુંબઈ),- દીપા રાજેશ સોની (મુ. હાલાર રોડ, મુંબઈ),- સુમલતા ચૌહાણ (માલેગાંવ),- મુકેશ જીતેન્દ્ર સિંહ ઝાલા (માલેગાંવ),- તલસીમબેન નબીરામ લડકા (માલેગાંવ),- રોશન કાંબલે (મહારાષ્ટ્ર),- વિવેક ગુંડા (વાપી),- ફૈઝલ હસનાન (મુંબઈ),- સાબિર અન્સારી (નાગપુર / હાલ મુ. મુંબઈ).- સુપ્રિયા ગૌરિશંકર બાગોરે (માલેગાંવ) છે
એસ.પી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ આરોપીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કોઈ ડેટા મેનેજમેન્ટ કરતું હતું, કોઈ વિદેશી નાગરિકો સાથે વાતચીત કરતું હતું, તો કોઈ નાણાકીય વ્યવહારો સંભાળતું હતું. આ સમગ્ર ગેંગ સુનિયોજિત રીતે કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપીઓ પાસે મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની વ્યક્તિગત માહિતીનો ડેટાબેઝ મળી આવ્યો છે. પોલીસે લાખો લોકોની ગુપ્ત માહિતી ધરાવતી પીડીએફ ફાઈલો અને અન્ય ડિજિટલ ડેટા કબજે કર્યો છે. આ માહિતીના આધારે ટાર્ગેટેડ કોલ કરીને લોકોને ડરાવી નાણાં પડાવવાનો સમગ્ર ખેલ ચાલતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોલ સેન્ટર છેલ્લા લગભગ ૨૫ દિવસથી કાર્યરત હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન, નાણાંના વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ ચાલી રહી છે. આમ એક વૈભવી બંગલામાંથી ચાલતા આ આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાયબર ગુનેગારો હવે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. આ કૌભાંડના તાર હજુ ક્યાં સુધી જોડાયેલા છે અને કેટલા લોકો તેની ઝપેટમાં આવ્યા છે તે દિશામાં તપાસ હજુ ચાલુ છે.

