પતિએ પ્રેમી સાથેના મેસેજ પકડી પાડ્યા, સંતાનો મૂકી પિયર જવા કહેતા માતાએ ઝેર આપી ત્રણ સંતાનોનો ભોગ લીધો
Valsad, તા.૨૮
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં લગ્નેત્તર સંબંધના વિવાદમાં એક માતાએ પોતાના જ ૩ માસૂમ સંતાનોને ઝેર આપી મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર મચી ગયો છે. બાળકોને માર્યા પછી માંએ પોતે પણ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં રાયણી ચાર રસ્તા, ભીંગાડી ફળિયામાં માછીમાર તરીકે મજૂરી કરતા ૨૮ વર્ષીય સંજયભાઈ મહેશભાઈ હળપતિના લગ્ન પરિવારની સંમતિથી વર્ષ ૨૦૨૦માં મોહનગામ પલાટપાડા ખાતે રહેતી ૨૨ વર્ષીય નિશાબેન વસંતભાઈ વારલી (ઉં.વ. ૨૨) સાથે થયા હતા. તેમને સંતાનમાં ૨ વર્ષની પુત્રી નાયરા અને ૯ માસના બે જોડિયા દીકરાઓ આયંશ તથા વિહાન હતા. તાજેતરમાં સૌરાષ્ટ્રના માંગરોળ વેરાવળથી મજૂરી કામ કરી પરત ફરેલા સંજયે પત્ની નિશાનો મોબાઈલ ચેક કરતા તેમાંથી અન્ય યુવકના ફોટા અને પ્રેમ સંબંધના મેસેજ મળી આવ્યા હતા. ઘરે આવીને પત્ની નિશાબેનનો મોબાઈલ ચેક કરતા તેમાં એક અન્ય યુવકનો ફોટો અને પ્રેમ સંબંધના ટેક્સ્ટ મેસેજ મળી આવ્યા હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બાબતે નિશાની માતા અને ભાઈ યોગેશને પણ બોલાવતા તેના પરિવારે પણ તેને ઠપકો આપ્યો હતો અને સંજયે સ્પષ્ટ કહ્યું હતું કે, “જો તારે પ્રેમી સાથે જવું હોય તો તું જઈ શકે છે, પરંતુ બાળકો મારી પાસે રહેશે.”પતિએ બાળકો મૂકીને જવાનું કહેતા આવેશમાં આવેલી નિશાને પોતાના આગામી પ્રેમજીવનમાં આ બાળકો નડતરરૂપ લાગતા તેણે રાતના સમયે ક્રૂરતાપૂર્વક ત્રણેય બાળકોને કોઈ ઝેરી પદાર્થ ખવડાવી દીધો હતો. મોડી રાત્રે ૧૨ વાગ્યા સુધી પરિવાર ઓસરીમાં હતો અને ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી પંખા ચાલુ રાખી સુઈ જતાં કોઈને ગંધ આવી નહોતી. વહેલી સવારે ૫ વાગ્યે સંજય જાગ્યો ત્યારે નિશા હાથમાં ફિનાઇલની બોટલ અને ગ્લાસ લઈને ફરતી હતી અને ત્રણેય બાળકો અચેતન અવસ્થામાં પડ્યા હતા. સંતાનોને મારી નાખ્યા બાદ નિશાએ પણ ફિનાઇલ ગટગટાવી લીધું હતું.

