Vinchiya,તા.17
વીંછીયા તાંબાની છાસિયા કુમાર તાલુકા શાળામાં 25 વર્ષ સુધી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી શિક્ષકથી આચાર્ય સુધીનો કાર્યભાર સાંભળનાર એમ.આઈ. પટેલે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી “શિક્ષક કભી સાધારણ નહિ હોતા” એ સૂત્રને સાર્થક કર્યું છે. શાળાના બાળકો અને ગ્રામજનો સાથે આત્મીયતાથી જોડાયેલા એમ.આઈ. પટેલની બદલી થતા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જે વિદાય સમારોહમાં કર્મનિષ્ઠ શિક્ષકની વિદાયથી ઉપસ્થિત લોકોમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
મૂળ હિંમતનગરના કનાઈ ગામના વતની મોમીન મોહંમદઅલી ઇસ્માઇલભાઈ પટેલએ તા.30/12/1999 માં શિક્ષક તરીકેના પોસ્ટિંગ સાથે વીંછીયા તાલુકાના છાસિયા ગામે પ્રાથમિક શાળામાં કાર્યભાળ સાંભળ્યો હતો. છેલ્લા 25 વર્ષથી છાસિયા કુમાર તાલુકા શાળામાં ફરજ બજાવનાર મોમીન મોહંમદઅલી પટેલે ગ્રામજનો સાથે લાગણીસભર પારિવારિક માહોલ બનાવ્યો હતો. છાસિયા કુમાર તાલુકા શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી મોમીન મોહંમદઅલી પટેલે અનેક છાત્રોની કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
છાસિયા કુમાર તાલુકા શાળાના આચાર્ય મોમીન મોહંમદઅલી પટેલની બદલી થતા વિદાય સમારોહ અને સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિદાય સમારોહમાં મોમીન મોહંમદઅલી પટેલનો પરિવાર, છાસિયા કુમાર તાલુકા શાળાના પૂર્વ આચાર્ય અને દાદાના હુલામણા નામથી જાણીતા શિક્ષક સંઘના વડા રસિકભાઈ સાંકળિયા, છાસિયા કુમાર તાલુકા શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બાવળીયા, શિક્ષક રમેશભાઈ રાજપરા, જીગ્નેશભાઈ અણીયાળીયા, વિજયભાઈ આહલગામા, મુકેશભાઈ જાદવ, પ્રતિકભાઇ ધુમડા, ભૂતપુર્વ વિદ્યાર્થી અને પત્રકાર મનોજ વાળા, એપીએમસીના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા, સી.આર.સી વિનુભાઈ, તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ મીઠાપરા, છાસિયા કન્યા શાળા, છાસિયા હનુમાનગઢ સીમ શાળા, અજમેર, ઢેઢુકી અને હડમતીયા પ્રા. શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જે વિદાય સમારોહમાં મોમીન મોહંમદઅલી પટેલની વિદાયથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

