Gandhinagar, તા.૫
સરગાસણના બંધ ઘરના માળિયામાં પ્લાસ્ટિકની ડોલમાં સંતાડેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૭.૭૭ લાખની માલમત્તા સંબંધી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે. સરગાસણમાં રહેતા વિધ્યાબેન વિક્રમજી ઠાકોર અને તેમનો પુત્ર હિંમત પરિવારના સભ્ય બીમાર હોવાથી આશ્કા હોસ્પિટલમાં ટિફિન આપવા ગયા હતા. ઘરને લોક મારી હંમેશની જેમ તેમણે ઘરની ચાવી બાથરૂમ પાસેની એક જગ્યાએ મૂકી હતી. તે વખતે દૂરના સગા ચિરાગજી ચંદ્રેશજી ઠાકોર પણ ત્યાં હાજર હતો. થોડા સમય બાદ ચિરાગે હિંમતને ફોન કરીને પૂછપરછ કરી હતી કે તમારા ઘરે પાણીનો જગ આપવા વાળો ભાઈ આવ્યો છે, તો ઘરની ચાવી ક્યાં છે. જેથી હિંમતે બાથરૂમ પાસે ચાવી મૂકી હોવાની જગ્યા બતાવી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ બપોરે અઢી વાગ્યાના અરસામાં વિધ્યાબેન અને તેમનો પુત્ર ઘરે પરત ફર્યા હતા. ત્યારે બીજા રૂમમાં તેમની એક સોનાની વીંટી નીચે પડેલી નજરે પડી હતી. આ વીંટી તેમણે અગાઉ દાગીના સાથે ડોલમાં મૂકી હોવાથી તે નીચે કેમ પડી તે અંગે તેમના મનમાં શંકા ગઈ હતી. જેથી તેમણે તપાસ કરતા ચોરી થયાનું ખૂલ્યું હતું. સંતોષકારક જવાબ નહીં આપતા વિધ્યાબેને ચિરાગ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

