New Delhi, તા.17
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતા ઊભી થઈ છે. બંને દેશો વચ્ચે થયેલાં શાંતિ કરાર તૂટ્યાં બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધની સ્થિતિ વધુ તીવ્ર બની છે.
આ ભૌગોલિક અને રાજકીય તણાવના લીધે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે મોંઘવારી કાબૂમાં રાખવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવેલી આ કટોકટી ભારત જેવા મોટી આયાત પર નિર્ભર દેશનાં અર્થતંત્રને સીધી અસર કરી રહી છે, જેને પગલે દેશનાં તમામ નીતિ નિર્માતાઓ ભારે ચિંતામાં મૂકાયા છે.
તાજેતરમાં જાહેર થયેલાં સત્તાવાર આંકડા મુજબ, જૂન મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી દર વધીને 4.38 ટકા પર પહોંચી ગયો છે, જે મે મહિનામાં 3.93 ટકા નોંધાયો હતો.
આ વધારા પાછળ મુખ્યત્વે ખાવા-પીવાની ચીજોના ભાવોમાં થયેલો ઝડપી ઉછાળો અને ટ્રાન્સપોર્ટ તથા અન્ય સેવાઓનો વધતો જતો ખર્ચ જવાબદાર માનવામાં આવે છે. દેશમાં ખાદ્ય મોંઘવારીનો દર પણ મે મહિનાના 4.78 ટકાથી વધીને જૂનમાં 5.32 ટકા થઈ ગયો છે. સામાન્ય લોકો માટે ટ્રેન, બસ કે પોતાનાં વાહનમાં મુસાફરી કરવી મોંઘી થઈ છે, અને આ સાથે જ હોસ્પિટલ, શિક્ષણ જેવી અન્ય સેવાઓ પાછળ થતો દૈનિક ખર્ચ પણ વધ્યો છે.
બીજી તરફ, ઉદ્યોગોને અસર કરતી જથ્થાબંધ મોંઘવારી દર (WPI) જૂન મહિનામાં વધીને 9.87 ટકા પર પહોંચી ગઈ છે, જે છેલ્લાં બે વર્ષની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. મે મહિનામાં આ દર 9.68 ટકા હતો, જે હવે વધીને 10 ટકાની તદ્દન નજીક પહોંચી ગયો છે.
આ ચિંતાજનક વધારો મુખ્યત્વે ફૂડ આર્ટિકલ્સ, ક્રૂડ ઓઈલ (પેટ્રોલિયમ), બેઝિક મેટલ્સ અને કેમિકલ્સના આસમાને પહોંચેલા ભાવોને કારણે થયો હોવાનું સત્તાવાર અહેવાલોમાં જણાવાયું છે. જથ્થાબંધ ભાવમાં થઈ રહેલો આ સતત વધારો દર્શાવે છે કે ફેક્ટરીઓમાં બનતી ચીજવસ્તુઓ પાછળનો ખર્ચ સતત વધી રહ્યો છે, જે ભવિષ્યમાં રિટેલ માર્કેટને પણ વધુ મોંઘી બનાવશે.
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવિસના જણાવ્યાં અનુસાર, જથ્થાબંધ મોંઘવારી હવે માત્ર અમુક ચીજો પૂરતી સીમિત નથી રહી પરંતુ તે દરેક ક્ષેત્રમાં વ્યાપક બની ગઈ છે. નવેમ્બર 2025ના મહિનાથી શરૂ થયેલો આ વધારો, જે અગાઉ માઈનસમાં હતો, તે હવે ખૂબ ઊંચા અને નકારાત્મક સ્તરે પહોંચી ગયો છે. નિષ્ણાતનું માનવું છે કે દેશમાં હવે સસ્તી ચીજો અને લો-ઇન્ફ્લેશનના દિવસો પૂરા થઈ ગયાં છે.
આગામી સમયમાં ઉદ્યોગો માટે કાચો માલ સસ્તો થવાની કોઈ શક્યતા દેખાતી નથી, જેને કારણે બજારમાં તમામ પ્રકારની નાની-મોટી ચીજવસ્તુઓના ભાવ લાંબા સમય સુધી ઊંચા જ રહેશે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધની સીધી અસર ભારતનાં સ્થાનિક ઉદ્યોગો પર પડી રહી છે, જેમાં બળતણ, ગેસ અને ઓઈલ પ્રોડક્ટ્સમાં 27.4 ટકા જેટલો મોટો ભાવવધારો નોંધાયો છે. આ આકરા વધારાને કારણે સ્થાનિક કંપનીઓ માટે મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે, જેની અંતિમ અસર સામાન્ય ગ્રાહકો પર પડે છે.
કેમિકલ અને તેનાથી બનતી પ્રોડક્ટ્સમાં 12.8 ટકા અને પ્લાસ્ટિક કે રબરની આઈટમ્સમાં 9.9 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ગ્લોબલ માર્કેટમાં તેજી આવતાં ધાતુઓ અને ઇલેક્ટ્રિકલ મશીનરી પણ 12.3 ટકા જેટલી મોંઘી થતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ભારે દબાણ હેઠળ છે.
હાલમાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બે ઓઈલ ટેન્કરો પર ઈરાન દ્વારા થયેલાં ફાયરિંગ બાદ બે્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 4.55 ટકા વધીને 87.08 પ્રતિ બેરલ થઈ ગઈ છે. આ હુમલામાં કમનસીબે એક ભારતીય નાવિકનું મોત પણ થયું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવ સતત 80ની સપાટીથી ઉપર હોવાથી, ભારત સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટી રાહત આપી શકે તેમ નથી. મદન સબનવિસના મતે આગામી બે-ત્રણ મહિના સુધી જથ્થાબંધ મોંઘવારી 9 થી 10 ટકાની રેન્જમાં જ રહેશે અને ઇંધણના ભાવોમાં યથાવત સ્થિતિ જળવાઈ રહેશે.
રોજિંદા જીવનની વાત કરીએ તો સામાન્ય માણસની થાળી પણ મોંઘી થઈ છે, કારણ કે શાકભાજી, ફળો, ઈંડા, માછલી અને મસાલાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને મસાલાની મોંઘવારી તો 22 ટકા સુધી પહોંચી ગઈ છે, જે ગૃહિણીઓનું બજેટ ખોરવી રહી છે.
જૂન મહિનાના અંત ભાગમાં દેશનાં કેટલાક કૃષિ પ્રધાન વિસ્તારોમાં ભારે અને કમોસમી વરસાદ પડ્યો હતો, જેનાં કારણે પાક અને સપ્લાય ચેઈનને મોટાં નુકસાન થયું હતું. પુરવઠો ખોરવાઈ જવાને લીધે બજારમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યાં છે, જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજીના કારણે કપાસ અને ખાદ્ય તેલના ભાવો પણ 20 ટકાથી વધુ વધ્યાં છે.
કેરએજ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિન્હાના જણાવ્યાં અનુસાર, આગામી સમયમાં મોંઘવારીનો મોટો આધાર દેશમાં નબળાં ચોમાસા અને ‘અલ નીનો’ની સક્રિયતા પર રહેશે. જો ચોમાસાના બીજા ભાગમાં અલ નીનો મજબૂત થશે, તો કઠોળ, તેલીબિયાં અને શાકભાજીનાં પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેનાથી તહેવારોની સીઝનમાં મોંઘવારી વધુ ભડકશે.
જો કે, ભૂતકાળના અલ નીનો વર્ષોની સરખામણીએ આ વખતે ભારત વધુ મજબૂત સ્થિતિમાં છે. દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ઘણું સારું છે અને સરકાર પાસે અનાજનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાથી, કોઈ પણ કટોકટીમાં મોંઘવારીને કાબૂમાં રાખી શકાશે.

