પિતરાઈ બહેન સાથે મામાના ઘરે જતી વેળાએ અકસ્માત નડ્યો, બે ઘવાયા
Rajkot
Rajkotના સંત કબીર રોડ પરના નાળા નજીક અને રાંદરડા તળાવ સામે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસે એક્ટિવાને અડફેટે લેતા જસદણના વીરનગરની યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એક્ટિવા પાછળ બેસેલી તેની કૌટુંબિક બહેન અને ૪ વર્ષના માસૂમ ભત્રીજાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે Rajkotની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના વીરનગરમાં રહેતી દિપાલી અરવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) ગઈકાલે સાંજે તેના પરિવાર સાથે Rajkotમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા શ્રીરામ પાર્કમાં તેના કાકા શૈલેષભાઈના ઘરે એક પ્રસંગમાં આવી હતી. ત્યાંથી દિપાલી પોતાની કૌટુંબિક બહેન કોમલ સચિનભાઈ મૂળિયા (ઉ.વ.૩૨, રહે. દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર) અને કોમલના ૪ વર્ષના દીકરા ચિરાગને એક્ટિવા પર બેસાડીને ભીચરી ગામે એક સંબંધીના મરણ પ્રસંગમાં જવા નીકળી હતી.
ત્યારે સંત કબીર રોડ પરના નાળા નજીક રાંદરડા તળાવ સામે પાછળથી આવતી ‘શ્રેયસ ટ્રાવેલ્સ’ની ખાનગી સ્લીપર કોચ બસના ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બસનું વ્હીલ દિપાલી પર ફરી વળતા તેનું તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કોમલ અને ચિરાગ રોડ પર ફંગોળાતા તેમને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે Rajkotની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વ્હીલ નીચે કચડાયેલી યુવતીને જોઈને એકત્રિત થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ બસના ચાલકને પકડી પાડી ઢોર માર માર્યો હતો. બનાવની જાણ થતાં જ આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી અકસ્માત સર્જનાર બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક દિપાલી ઘરમાં એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી. તે આટકોટની પ્રખ્યાત કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. તેના પિતા અરવિંદભાઈ કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

