જીવનમાં કામ અને અર્થ ગૌણ બને તો જીવનમાં દિવ્યતા આવે છે.દિવ્યતા એ દેવપણું છે.માનવી દેવ બને છે.ધર્મની ગતિ સૂક્ષ્મ છે.ધર્મ પણ અનેકવાર અધર્મ બને છે.કુભાવ ના હોય તો તે અધર્મ પણ કોઈવાર ધર્મ બનતો હોય છે.સદભાવના વગર ધર્મ સફળ થતો નથી.બીજો કોઈ દુઃખી થાય તેવી સૂક્ષ્મ ઈચ્છા પણ હશે તો તે અધર્મ છે.જગતના કોઈપણ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે.કેદારનાથ જતાં ગુપ્તકાશી આવે છે ત્યાંથી એક રસ્તો ઉખીમઠ જાય છે.ઠંડીના દિવસોમાં કેદારનાથના સ્વરૂપને ઉખીમઠમાં પધરાવવામાં આવે છે ત્યાં બે-ચાર પહાડ ભેગા થાય છે,ત્યાં જે કંઈ બોલો તેનો પ્રતિધ્વની આવશે.ગંગે-હર,ગંગે-હર એકવાર બોલો તો ત્રણ-ચારવાર તેના પડઘા સંભળાશે.ત્યાં જો કોઈ બોલે કે તારૂં સત્યાનાશ જાય તો પ્રતિધ્વનિમાં તે જ સાંભળવા મળશે.જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ.જેવો ભાવ તમે લોકો માટે રાખશો તો લોકો તેવો જ ભાવ તમારા માટે રાખશે.ભાવ પ્રતિભાવને ઉત્પન્ન કરે છે. જગતમાં જગતનો આધાર તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈપણ જીવ પ્રત્યે કુભાવ રાખવો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જીવ તો શું? જડ પદાર્થોમાં પણ કુભાવ ના રાખવો.જડ-ચેતન સર્વમાં એક ઈશ્વર વિરાજેલા છે.સર્વમાં સદભાવ રાખે તેનું મન શાંત રહે છે.મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે.આખું જગત એ વિરાટપુરૂષનું સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ થાય તો જગતની કોઈપણ વસ્તુ પ્રત્યે કુભાવ થશે નહિ.આ જગત પ્રભુના આધારે છે.જગતના પ્રત્યેક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે તેથી પ્રભુમય છે.
આના ઉપર એક બોધકથા વિચારવા જેવી છે.
એક નગરના રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી,બંને રોજ સત્સંગ કરે છે.નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ચાલતો નથી.ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી,જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે.ચંદન જેવું કિંમતી લાકડું રાજા સિવાય બીજું કોણ લે? નગરશેઠને ધંધા માટે સ્વાર્થનો વિચાર આવ્યો છે.આ રાજાનું કંઈક થઇ જાય તો સારૂં.રાજા મરી જાય તો બાળવા માટે ચંદનની જરૂર પડશે અને મારાં તમામ ચંદનનાં લાકડાં વેચાઈ જશે.નગરશેઠના મનમાં રાજા પ્રત્યે કુભાવ આવ્યો તે જ વખતે રાજાના મનમાં પણ સેવા કરતાં વિચાર આવ્યો કે આ શેઠ તિલક કરે છે,ભક્તિનો ડોળ કરે છે,તેને મારવો જોઈએ.શેઠ નિસંતાન છે એટલે તેનું ધન રાજ ખજાનામાં આવશે.
રાજાને ભક્તિમાં આજે આનંદ આવતો નથી.રાજા ફરીથી વિચારે છે કે આજે આવો વિચાર કેમ આવ્યો? મનમાં પાપ છુપાવીશ તો પાપ વધશે.રાજા સત્સંગી વૈષ્ણવ હતા,તેમણે શેઠ આગળ આ ખરાબ વિચારની હકીકત જાહેર કરી.શેઠે પણ બોલતાં પણ શરમ આવે તેવી હકીકત રાજાને કહી.રાજાએ શેઠને ઠપકો આપ્યો કે આવા ખરાબ વિચાર પ્રભુ-ભક્તને શોભે નહિ,એવું કેમ ના વિચાર્યું કે રાજા ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે કે રાજા મહેલના દરવાજા ચંદનના બનાવે.! બંનેના મન શુદ્ધ થયા અને એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી,બંને સુખી થયા.જગતના કોઈપણ જીવનો વિરોધ ના કરવો.શુદ્ધ ભાવના વગર કરેલું સત્કર્મ નકામું છે.સર્વમાં સદભાવ-સમભાવ રાખવો તે ઉત્તમ ધર્મ છે.
વિનોદભાઇ માછી નિરંકારી

