એક વ્યક્તિ પોતાના પરીવાર, સબંધીઓ, મિત્રો, ફળીયાના લોકો, પોતાની કંપનીમાં સાથે નોકરી કરતા સાથીમિત્રોથી ઘણો દુઃખી થઇને તેના સમાધાન માટે પોતાના ગુરૂ પાસે જાય છે અને પોતાનું દુઃખ ગુરૂદેવને બતાવતાં કહે છે કે મારા સાથી કર્મચારીઓ,મારી પત્ની,મારા બાળકો અને મારી આસપાસના તમામ લોકો ઘણા જ સ્વાર્થી છે.કોઇ યોગ્ય નથી તો ગુરૂદેવ હું શું કરૂં? ગુરૂદેવ તેની વેદના અને તેની સમસ્યાને સમજી ગયા અને ર્હંસીને કહે છે કે બેટા ! ખરેખર તારી સમસ્યા અતિ ગંભીર છે. યોગ્ય સમયે તેનું સમાધાન કરવું જરૂરી છે એટલે તમે આજની રાત્રી આશ્રમમાં રોકાઇ જાઓ. હું રાત્રે મંથન કરી સવારમાં તારી સમસ્યાનું સમાધાન બતાવીશ. તે વ્યક્તિને પોતાના ગુરૂ ઉપર અતૂટ વિશ્વાસ હતો તેથી તેને આશ્રમમાં રાત્રી રોકાણ માટેની વાત સ્વીકારી લીધી અને આશ્રમના અન્ય નિવાસીઓ પાસે પહોંચી ગયો. સવારમાં પૂજા-અર્ચના પછી ગુરૂદેવે પોતાના અન્ય શિષ્યોની સમસ્યાઓનું સમાધાન કરીને છેલ્લે તેને પોતાની પાસે બોલાવે છે.
એક રાત્રી આશ્રમમાં રોકાયો તેનો અનુભવ ગુરૂદેવે પુછ્યા વિના જ તે કહેવા લાગ્યો કે ગુરૂદેવ ! આપના આશ્રમમાં પણ સ્વાર્થી લોકોએ અડ્ડો જમાવ્યો છે. દરેકને આપની પાસેથી કંઇકને કંઇક જોઇએ છીએ એટલે તેઓ આશ્રમમાં રોકાયા છે. ગુરૂદેવે તેની વાત ગંભીરતાથી સાંભળી અને છેલ્લે કહ્યું કે હું તને એક વાર્તા સંભળાવું છું તેને ગંભીરતાથી સાંભળો.આ વાર્તામાં તમારી સમસ્યાનું સમાધાન છે.
એક ગામમાં એક વિશેષ રૂમ બનાવવામાં આવે છે કે જેમાં એક હજાર અરીસા લગાવવામાં આવે છે. એક નાનકડી છોકરી આ રૂમમાં આવે છે અને એક હજાર અરીસામાં એક હજાર બાળકો તેની સાથે રમી રહ્યાં છે તે જુવે છે અને તે બાળકોના પ્રતિબિંબ જોઇને તે ખુશ થાય છે. જેવી તે તાળી પાડે છે ત્યારે તમામ બાળકો તેની સાથે જ તાળી વગાડે છે. બાળકી વિચારે છે કે આ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે અને અહી અવારનવાર આવવું જોઇએ.બાળકીના ગયા પછી એક ઉદાસ વ્યક્તિ ત્યાં આવે છે અને તેને ચારે બાજુ હજારો દુઃખી ચહેરા જોયા. આ જોઇને તે ઘણો દુઃખી થાય છે.તેને હાથ ઉપાડીને તમામને ધક્કો મારીને દૂર કરવા પ્રયત્ન કર્યો તો એક સાથે હજારો હાથ તેને ધક્કા મારી રહ્યા છે.તેને કહ્યું કે આ દુનિયાની સૌથી ખરાબ જગ્યા છે. અહીયાં બીજીવાર ક્યારેય ના આવવું જોઇએ તેમ કહીને જગ્યા છોડીને જતો રહે છે.
આવી જ રીતે આ દુનિયા એક એવો રૂમ છે જેમાં હજારો અરીસા લાગેલા છે.અમારી અંદર જે ભરેલું હશે તે જ પ્રકૃતિ અમોને પરત આપશે.સંસાર અમોને અમારા મનને અનુરૂપ જ દેખાય છે એટલે પોતાના મન અને દિલને સાફ રાખીશું તો આ દુનિયામાંથી અમોને સ્વર્ગનો અનુભવ થશે.સંસારને સુધારવાની આકાંક્ષા રાખનારાઓ માટે સર્વપ્રથમ આવશ્યક છે કે અમે પોતે પોતાને સુધારીશું તો આખો સંસાર આપોઆપ સુધરી જશે.
બીજા લોકો ક્યારે શું કરે છે? કેમ કરે છે? આનાથી જેટલા દૂર રહીશું અને બીજાઓ પાસેથી જેટલી અપેક્ષાઓ ઓછી રાખીશું એટલા વધુ સુખી બનીશું તેમાં કોઇ શંકા નથી. ભલે પોતાના પિતા હોય કે પૂત્ર, સગા-વહાલા કે ઇષ્ટમિત્રો ક્યારેય કોઇને પણ વણ માંગી સલાહ આપશો તો દુઃખી થશો. ફક્ત મારે શું કરવું? અને શું ના કરવું? એ પોતાની વિવેક બુદ્ધિથી નક્કી કરવું..પ્રેમ જોઇએ છે તો બીજાને પ્રેમ આપો, માન જોઇએ છે તો બીજાને માન આપો અને ભગવાને જે સુખ સમૃદ્ધિ આપી છે તેનો ખોટો દેખાડો ના કરો, આવા દેખાડાથી લોકો આપણને સારા નથી કહેવાના કે વખાણ નથી કરવાના પરંતુ આપણને મૂર્ખ જ કહેશે. બીજું એક પ્રભુ પરમાત્મા સિવાઇ કોઇ પૂર્ણ નથી.આપણા બધામાં કંઇને કંઇ ખામીઓ છે.બીજાની ભૂલો એ જ જુવે છે કે જેનામાં અનેક ભૂલો ભરેલી છે માટે ગુણોના ગ્રાહક બનો..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

