Bengaluru : તા,18
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર્યું છે કે તેણે પિચના મૂડનું મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી હતી. બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે સ્વીકાર્યું કે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવાનો તેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો, જેના કારણે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરોના આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતે ઘરઆંગણે સૌથી ઓછો ટેસ્ટ સ્કોર બનાવ્યો. જો કે, વાદળો સાફ થયા પછી, બેટિંગ માટે પરિસ્થિતિ અનુકૂળ બની અને સ્ટમ્પ પહેલા ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. તડકો નીકળ્યા બાદ બેટ્સમેનોને શોટ રમવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, જેનો ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો હતો. ખાસ કરીને ડેવોન કોનવે, જેણે 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ મારા દ્વારા લેવામાં આવેલો એક ખોટો નિર્ણય હતો: રોહિત શર્મા
રોહિત શર્માએ કહ્યું કે, અમે વિચાર્યું હતું કે પહેલા સેશન પછી આ ફાસ્ટ બોલર માટે વધુ મદદગાર નહીં રહે. પિચ પર વધુ ઘાસ પણ ન હતી. અમને આશા હતી કે આ ઘણી જ સપાટ રહેશે, પરંતુ એવું ન થયું. આ મારા દ્વારા લેવામાં આવેલો એક ખોટો નિર્ણય હતો અને હું પિચને સારી રીતે ઓળખી ન શક્યો.
લાંબા સમયથી કવર નાખવામાં આવ્યું હોવાને કારણે પીચ પર ખૂબ જ ભેજ હતો અને આકાશ પણ વાદળછાયું હતું. તેથી ક્રિકેટ ચાહકોને આશા હતી કે રોહિત શર્મા ટોસ જીતશે અને મહેમાન ટીમને પ્રથમ બેટિંગ કરવાનું કહેશે. જોકે, ટોસ જીત્યા બાદ રોહિતે બેટિંગ કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા.
તેણે ટોસ દરમિયાન કહ્યું કે તેને આશા હતી કે શરૂઆતના સત્રમાં વિકેટ સારી રીતે રમશે. જો કે, તેનાથી વિપરિત જોવા મળ્યું. પ્રથમ સેશનમાં ઘણી સીમ મૂવમેન્ટ અને સ્વિંગના કારણે ભારતે 34ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી.
કેએલ રાહુલને ત્રીજા નંબર પર બેટિંગ કરવા અંગેના સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે થિંક ટેન્કને નથી લાગતું કે તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવે. રોહિતનું માનવું છે કે કેએલ રાહુલ ચોથા નંબર પર જ ફિટ છે. શુભમન ગિલની ગેરહાજરીમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. જ્યારે કેએલ રાહુલ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
રોહિતે કહ્યું કે, એવી પિચ પર જ્યાં ફાસ્ટ બોલર્સને મદદ મળી રહી હતી અને જ્યારે અમે 46 રનમાં જ આઉટ થઈ ગયા તો તમે કહી શકો છો કે શોટની પસંદગી યોગ્ય ન હતી. ક્યારેક-ક્યારેક તમે કંઈક કરવાની યોજના બનાવો છો પરંતુ તેને અમલ કરવામાં નિષ્ફળ થઈ જાવ છો. તેથી આ અમારા માટે એક ખરાબ દિવસ હતો. ઉલ્લેખનીય છે કે ટીમના ખરાબ પરફોર્મન્સ બાદ પત્રકાર પરિષદ શરૂ થતા પૂર્વે કહ્યંક કે ચલાવો તલવાર.

