Rajkot,તા.8
આગામી તા.10થી ભારતીય ક્રિકેટ ટીમના શરૂ થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને પાંચ ટેસ્ટમેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમના મેનેજર તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન જયદેવ શાહની નિયુક્તિ કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા બે તબકકામાં તા.10 અને 11 નવેમ્બરના ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે અને તેમના આ પ્રવાસમાં તા.22 નવેમ્બરથી તા.7 જાન્યુઆરી 2025 દરમ્યાન પાંચ ટેસ્ટમેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણી રમશે જે ટીમના મેનેજર તરીકેની જવાબદારી શ્રી જયદેવ શાહને અપાઈ છે.
આમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. માટે ક્રિકેટ બોર્ડ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયદેવ શાહ અગાઉ 2022ના ટીમ ઈન્ડિયાના ન્યુઝીલેન્ડ પ્રવાસ સમયે પણ ટીમ મેનેજરની જવાબદારી બજાવી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકે કામગીરી બજાવે છે.
શ્રી જયદેવ શાહે તેમની આ નિયુક્તિ અંગે જણાવ્યું કે, ક્રિકેટ બોર્ડના માનદ સેક્રેટરી જયભાઈ શાહ પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરુ છું. તેઓએ મને જે જવાબદારી સોંપી છે તે મારા માટે એક સન્માન છે અને મારામાં જે વિશ્વાસ મુકયો છે તે હું સાર્થક કરીશ. વિદેશની ધરતી પર આ પ્રકારે મહત્વની કામગીરીમાં હું ભારતીય ટીમની સફળતા માટે મારું યોગદાન આપીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 1985-86માં જયદેવભાઈ શાહના પિતા અને ક્રિકેટ બોર્ડના પુર્વ સેક્રેટરી શ્રી નિરંજન શાહ પણ ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા સમયે ટીમ મેનેજરની જવાબદારી બજાવી ચૂકયા છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શેડયુલ
1) પ્રથમ ટેસ્ટ મેચ તા.22 નવે.થી 26 નવે.- પર્થ
2) બીજો ટેસ્ટ મેચ (ડે-નાઈટ) તા.6 ડીસે થી 10 ડીસે.- એડીલેડ
3) ત્રીજો ટેસ્ટ મેચ તા.14 ડીસે.થી 18 ડીસે.- બ્રીસબેન
4) ચોથો ટેસ્ટ મેચ તા.26 ડિસે.થી 30 ડિસે.- મેલબોર્ન
5) 3 જાન્યુ. 2025થી 7 જાન્યુ. 2025- સીડની

