Johannesburg,તા.16
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચ જીતીને શ્રેણી 3-1થી જીતી લીધી. સંજુ સેમસન અને તિલક વર્માની શાનદાર પાવર હિટિંગ ઇનિંગ્સ બાદ ભારતે અર્શદીપ સિંહની આગેવાની હેઠળના બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું.
આ રીતે ભારતે ચાર મેચોની આ શ્રેણી 3-1થી જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એક વિકેટે 283 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 18.2 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી અર્શદીપે ત્રણ જ્યારે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ તેણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમ માટે ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલરે મક્કમ ઇનિંગ રમીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બંને બેટ્સમેનના આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વાપસી કરી શકી ન હતી અને વિશાળ સ્કોર સામે ઝઝૂમી હતી.
દક્ષિણ આફ્રિકા માટે સ્ટબ્સે સૌથી વધુ 43 રન બનાવ્યા જ્યારે મિલરે 36 રન બનાવ્યા. માર્કો જેન્સન 12 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ પહેલા છેલ્લી બે મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી ન શકનાર સેમસને ફરી એકવાર સદી ફટકારી હતી જ્યારે તિલક સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. તિલકે 47 બોલમાં નવ ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 120 રન અને સેમસને 56 બોલમાં છ ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી અણનમ 109 રન બનાવ્યા હતા. આ સાથે સેમસન અને તિલકએ ટી20માં ભારત માટે સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી.
તિલકે સાઉથ આફ્રિકા સામે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી અને તે ખાસ યાદીમાં સામેલ થઈ ગયો હતો. તિલક T20 ઈન્ટરનેશનલમાં સતત બે મેચમાં સદી ફટકારનાર વિશ્ર્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. તિલક પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકોન, દક્ષિણ આફ્રિકાના રિલે રોસો, ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને ભારતના સંજુ સેમસન આ કરી ચુક્યા છે.
ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન તિલક 41 બોલમાં તેની સદી પૂરી કરી અને ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા બેટ્સમેન બન્યા છે. ભારત માટે, રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે 2019માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
આ સાથે, તિલક T20 દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે. તિલક સદી ફટકારે તે પહેલાં, સંજુ સેમસન દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો.
સંજુની સિકસથી પ્રેક્ષક ઇજાગ્રસ્ત
સંજુ સેમસને 10મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સને સતત બોલ પર સિક્સર ફટકારી. ઓવરના બીજા બોલ પર તેણે ડીપ મિડ-વિકેટ તરફ સિક્સર ફટકારી.
બોલ સ્ટેડિયમમાં બેઠેલી મહિલા પ્રશંસકના ચહેરા પર વાગ્યો હતો. આ પછી સંજુએ ક્રિઝ પરથી જ ફેન્સની માફી માંગી હતી. આ ઓવરમાં 21 રન આવ્યા હતા. સંજુએ 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
સિમેલેનનું બાઉન્સર તિલકના ખભા પર વાગ્યો
11મી ઓવરનો ચોથો બોલ તિલક વર્માના ખભા પર વાગ્યો. અહીં સિમલેને બાઉન્સર બોલ નાખ્યો, તિલક આગળ આવ્યો અને તેને ખેંચ્યો. બોલ તેના ખભા પર વાગ્યો. આ પછી તે મેદાન પર બેઠો, ફિઝિયોએ આવીને તેની તપાસ કરી.
રિવર્સ સ્વીપ પર તિલકનો છગ્ગો
માર્કરમે 14મી ઓવરમાં 22 રન ખર્ચ્યા હતા. આ ઓવરમાં તિલક વર્માએ માર્કરામ સામે છેલ્લા 3 બોલમાં હેટ્રિક બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે ડીપ સ્ક્વેર લેગ પર ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ પછી તેણે સતત બે રિવર્સ સ્વીપ કર્યા. પ્રથમ, રિવર્સ સ્વીપ સાથે, તેણે થર્ડ મેન પર સિક્સર ફટકારી, ત્યારબાદ તેણે તે જ દિશામાં ફોર ફટકારી.

