Rajkot તા.20
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા ગઈકાલે પુર્ણ થયા બાદ આજથી રાજકોટ શહેર-જિલ્લાના 25 સહિત રાજયના 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉતરવહીઓની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા-મૂલ્યાંકન કેન્દ્રો પર 25 ટકા જેટલા શિક્ષકો ગેરહાજર રહેતા આ અંગે શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ચૌધરી હાઈસ્કુલના મૂલ્યાંકન કેન્દ્રો પર ખાનગી શાળાઓના લાયકાત વગરના શિક્ષકો પેપર તપાસણી માટે પહોંચતા તેઓને ઘરે મોકલી દેવામાં આવેલ હતા.
ચૌધરી હાઈસ્કુલના મુલ્યાંકન કેન્દ્રના નિયામક જયેશભાઈ વસોયા એ આ અંગે જ જણાવ્યું હતું કે ચૌધરી હાઈસ્કુલના આ મૂલ્યાંકન કેન્દ્ર પર ધો.12 વિજ્ઞાન પ્રવાહની ફીઝીકસની ગુજરાતી મીડીયમની 5100 અને ઈંગ્લીશ મીડીયમની 4800 જેટલી ઉતરવહીઓ તપાસણી માટે આપી છે.
ઉતરવહીઓની તપાસણી માટે અમુક ખાનગી શાળાઓના શિક્ષકોએ શિક્ષણબોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલ જેમાંથી અમુક શિક્ષકો જરૂરી લાયકાત વગરનાઆવતા તેઓને પરત ઘેર મોકલી દેવામાં આવેલ છે. પેપર તપાસણી માટે શિક્ષકોની લાયકાત એમ.એ.બી.એડ. હોવી જરૂરી છે.
આ ઉપરાંત પેપર તપાસણીના પ્રથમ દિવસે જિલ્લાના મુલ્યાંકન કેન્દ્રો પર 25 ટકા શિક્ષકો ગેરહાજર રહેતા આ અંગેનો રિપોર્ટ કેન્દ્ર નિયામકો દ્વારા શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવેલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરવામાં આવેલ છે.

