moscow, તા.૬
રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં આવેલી અતિસંવેદનશીલ પ્લેગ અને અન્ય ખતરનાક ચેપી રોગોની રિસર્ચ લેબોરેટરીના ૨૮ વર્ષીય મહિલા લેબ ટેકનિશિયનનું એક રહસ્યમય ઇન્ફેક્શનથી કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તાર સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ડઝનબંધ લોકોને તાત્કાલિક આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે ૨૦૦ જેટલા લોકોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.સાઇબિરીયાના શેલેખોવ શહેરમાં આવેલી ‘ઇર્કુત્સ્ક રિસર્ચ એન્ટી-પ્લેગ ઇન્સ્ટિટયૂટ’માં કામ કરતી ૨૮ વર્ષીય મહિલા લેબ ટેકનિશિયન દાર્યા શિપિલોવા ને ગંભીર પ્રકારનો અજ્ઞાત ન્યુમોનિયા થયો હતો. તેની સ્થિતિ ઝડપથી બગડતાં તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો.રશિયાની ચેપી રોગ નિયંત્રણ એજન્સી ‘રોસ્પોટ્રેબનાડઝોર’એ આ મોતનું કારણ ‘અજ્ઞાત કારણોસર થયેલો ન્યુમોનિયા’ દર્શાવ્યું છે.મહિલા વૈજ્ઞાનિકના મોત બાદ શેલેખોવ જિલ્લા હોસ્પિટલના ઇનપેશન્ટ વિભાગને તાત્કાલિક અસરથી ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.
શેલેખોવના મેયર મેક્સિમ મોડિને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવા કે રજા આપવા પર કામચલાઉ રોક લગાવી દેવાઈ છે.સ્થાનિક સ્વતંત્ર મીડિયા ‘લ્યુડી બાઇકલ’ના અહેવાલો અનુસાર, મૃતકના સંપર્કમાં આવેલા કે લેબ સાથે જોડાયેલા આશરે ૨૦૦ જેટલા લોકોને ક્વોરેન્ટાઇન તેમજ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.રશિયન સંસ્થાઓ આ ઘટનાને લેબ અકસ્માત કે સંક્રમણ સાથે જોડવાનો ઇનકાર કરી રહી છે. ‘રોસ્પોટ્રેેબનાડઝોર’ એ દાવો કર્યો છે કે મૃતક મહિલાના સેમ્પલમાં તેની લેબ ડયુટી સાથે સંકળાયેલા કોઈ ખતરનાક સૂક્ષ્મ જીવાણુઓ (માઇક્રો-ઓર્ગેનિઝમ) મળ્યા નથી. જોકે, બીજી તરફ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એજન્સીના વડા એન્ના પોપોવા પોતે ઇર્કુત્સ્ક દોડી ગયા હતા. સ્થાનિક ગવર્નર ઇગોર કોબઝેવે સ્વીકાર્યું હતું કે પ્રદેશમાં ‘અતિ જોખમી ઈન્ફેક્શનના શંકાસ્પદ કેસ’ ને પગલે પ્રાદેશિક કમિશનની કટોકટીની બેઠક બોલાવવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સરકારી નિવેદનો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે.

