(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫ઃ
જામનગરના શક્તિનગર શેરી નં.૪માં જાહેર ગલીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી. ડીવીઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી છ મહિલાઓ સહિત નવ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને સ્થળ પરથી કુલ રૂ.૧૩,૧૭૦ની રોકડ રકમ અને ગંજીપતાના ૫૨ પાનાં મળી આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, ૨૪ સપ્ટેમ્બરના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન ઓમ શાંતિ પાન પાસે ખાનગી બાતમી મળી હતી કે શક્તિનગર શેરી નં.૪માં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી સાંજે આશરે ૭.૧૫ વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ગોળ કુંડાળું બનાવી બેઠેલા ૩ પુરુષ અને ૬ મહિલાઓ જુગાર રમતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન રાજેશભાઈ પરેશા પાસેથી રૂ.૧,૪૫૦, સંદીપભાઈ ચંદ્રેચા પાસેથી રૂ.૧,૨૦૦, મનસુખભાઈ ઝીંઝુવાડિયા પાસેથી રૂ.૧,૫૫૦, નીતાબેન પરેશા પાસેથી રૂ.૧,૧૦૦, મનીષાબેન ધંધાણીયા પાસેથી રૂ.૧,૨૧૦, મુક્તાબેન ઝીંઝુવાડિયા પાસેથી રૂ.૧,૫૦૦, ગીતાબેન નાયર પાસેથી રૂ.૧,૩૨૦, ક્રિષ્નાબા અરવિંદસિંહ વાઢેર પાસેથી રૂ.૧,૪૦૦ અને બિન્દુબેન સરપદડીયા પાસેથી રૂ.૧,૫૩૦ મળી આવ્યા હતા.
આ ઉપરાંત જુગાર રમાતી જગ્યાના પટમાંથી પણ રૂ.૯૧૦ રોકડા મળ્યા હતા. આમ, કુલ રૂ.૧૩,૧૭૦ રોકડા અને ગંજીપતાના ૫૨ પાનાં કબજે કરવામાં આવ્યા હતા.પોલીસે ત્રણ પુરુષ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે છ મહિલા આરોપીઓને પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી. તમામ સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

