ફાઇનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું કહી પ્રોસેસિંગ ફી, વીમા, જીએસટી અને લેટ ફીના નામે વારંવાર નાણાં પડાવી લીધા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫ઃ
જામનગરમાં લોન અપાવવાના બહાને ગેરેજ સંચાલક સાથે રૂ.૧,૨૨,૩૪૮ની ઓનલાઇન છેતરપિંડી થયાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા અને ઉગમ મોટર્સ નામે ગેરેજ ચલાવતા ૩૮ વર્ષીય કેતનભાઈ રમણીકભાઈ સાવલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૧ સપ્ટેમ્બરે અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન કરી સામેવાળાએ પોતે ફાઇનાન્સ કંપનીમાંથી બોલતો હોવાનું કહી લોનની ઓફર કરી હતી.
ફરિયાદ મુજબ શરૂઆતમાં લોનની પ્રોસેસિંગ ફીના નામે રૂ.૨,૫૫૦ ગૂગલ-પેથી ભરાવ્યા બાદ લોન મંજૂર થઈ હોવાનું કહી વીમા, જીએસટી, લેટ ફી સહિતના અલગ-અલગ બહાના કાઢવામાં આવ્યા હતા. ક્યારેક એક જ રકમ બે વખત ભરવી પડશે તો જ એન્ટ્રી માન્ય થશે તેમ કહીને પણ નાણાં પડાવાયા હતા.ફરિયાદીએ વિશ્વાસમાં આવીને જુદી-જુદી વખત ગૂગલ-પેથી રકમો મોકલાવી હતી. ત્યારબાદ લોન પાસ થઈ જશે તેમ સતત આશ્વાસન આપવામાં આવતું રહ્યું હતું. તા.૧૧ સપ્ટેમ્બરે યુપીઆઈ મેચ ન થતું હોવાનું કહી રૂ.૧૪ હજાર અને તા.૧૯ સપ્ટેમ્બરે લોનમાં વિલંબ થયો હોવાનું કહી રૂ.૧૩,૨૦૦ લેટ ફીના નામે પડાવ્યા હતા.આમ, લોન આપવાના બહાને આરોપીઓએ ફરિયાદી પાસેથી કટકે-કટકે કુલ રૂ.૧,૨૨,૩૪૮ ગૂગલ-પેથી પડાવી લીધા હતા. ત્યારબાદ લોન પણ આપવામાં આવી ન હતી અને નાણાં પરત પણ કરવામાં આવ્યા ન હતા.
ફરિયાદીએ તા.૨૩ સપ્ટેમ્બરે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર જાણ કરી હતી. આ અંગેની ફરિયાદને આધારે મળેલા ઇલેક્ટ્રોનિક એફઆઈઆરના આધારે સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી દ્વારા બેંક સ્ટેટમેન્ટ તથા લોન પ્રોસેસના નામે મોકલાયેલા દસ્તાવેજોના ફોટા સહિતના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

