ફાયરની ૧૧ ગાડીથી ૭૦ જવાનોએ સતત ૪ કલાક સુધી બે લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો
Bhavnagar ,તા.૨૧
ભાવનગર શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં આજે વહેલી સવારે વિકરાળ આગનું તાંડવ જોવા મળ્યું હતું. એકાએક ફાટી નીકળેલી વિકરાળ આગે જોતજોતામાં ટાયરના ગોડાઉન અને ફરસાણની ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લેતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભીષણ આગની સ્થિતિને જોતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો, ત્યારે ૧૧થી વધુ ફાયરની ગાડીઓ સાથે ૭૦ જવાનોએ સતત ૪ કલાક સુધી ૨ લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમતે કાબૂ મેળવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર ચિત્રા ય્ૈંડ્ઢઝ્રમાં આવેલ જે.કે. ટાયર્સના સ્ટોરેજ અને તેની બાજુમાં જ આવેલ લક્ષ્મી ફરસાણના યુનિટમાં આજે ૨૧મી ફેબ્રુઆરીએ સવારના સમયે અચાનક આગ લાગી હતી. ટાયરના જથ્થાને કારણે આગે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારની નજીક જ આગ લાગી હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.બાદમાં ઘટનાની જાણ થતા જ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી હતી. શરૂઆતમાં પશ્ચિમ ઝોનલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની ગંભીરતા જોતા તેને તાત્કાલિક ’મેજર ફાયર’ જાહેર કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈ હેડક્વાર્ટર પાસે વધારાની મદદ માંગવામાં આવી હતી અને ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને અન્ય એકમોમાં ફેલાતી અટકાવવામાં આવી હતી.આ આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયરની ૧૧ ગાડીઓ અને ૭૦ જેટલા તાલીમબદ્ધ જવાનો કામે લાગ્યા હતા. સતત ૪ કલાક સુધી અંદાજે સવા બે લાખ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.હાલની માહિતી મુજબ, આ ભીષણ આગમાં બંને એકમોમાં રહેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે જે સમયે આગ લાગી ત્યારે કોઈ શ્રમિક હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. સાથે ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ઈજા કે મૃત્યુના સમાચાર નથી.હાલ આ વહેલી સવારે લાગેલી આ આગ પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા સેવાઈ રહી છે, જોકે એફએસએલ અને ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આટલી વિકરાળ આગ પાછળ કયું પરિબળ જવાબદાર હતું. ત્યારે હાલમાં સમગ્ર પ્લાન્ટમાં કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

