Morbi,તા,21
મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના હસ્તે અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ કર્યું હતું. આભારવિધિ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીએ કરી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાજ્યકક્ષાએ યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ સ્થિતિ મિલેટ્સમાંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના નગરજનોને આ બે દિવસીય મેળાની મુલાકાત લઈ ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

