Rajkot,તા.૪
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવું બેન જાદવ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ થામ્યો છે. ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ દેવુબેન જાદવનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં દેવુંબેન જાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીમાં અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અમારા સમાજના વ્યક્તિઓને હોદા પર લેવામાં આવતા નથી. તેમજ આવાસ કૌભાંડના નામે અમારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા બાબતે પણ અમને કોઈએ જાણ કરી ન હતી. અમારા વિસ્તારના લોકો અમારી સાથે છે અને મતદારોને પૂછ્યા બાદ જ તમે કોંગ્રેસમાં જોડાયા છીએ.
ઉલ્લેખનીય છે કે, કથિત આવાસ યોજના કૌભાંડ લાભાર્થીમાં દેવુબેન જાદવ અને તેમના પરિવારનું નામ આવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને કોર્પોરેટર પદે યથાવત રાખવામાં આવ્યા હતા.
કોર્પોરેટર પદથી તેમને બરખાસ્ત કરવામાં નહોતા આવ્યા. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દેવુબેન જાદવને ટિકિટ ન આપવાની હોવાથી તેઓ ટિકિટની લાલચે કોંગ્રેસમાં જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

