Bhuj,તા.૪
કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં લગ્નના નામે છેતરપીંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરિત દલાલને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ બે યુવકોને નિશાન બનાવી લગભગ ૪ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓ ખોટા નામ અને ઓળખનો સહારો લઈને યુવકોનો સંપર્ક કરતા અને લગ્ન માટે વિશ્વાસમાં લેતા હતા.
લગ્ન થયા બાદ માત્ર થોડા જ દિવસોમાં યુવતી ઘરેથી પલાયન થઈ જતી હતી. આ રીતે તેઓ અલગ-અલગ જગ્યાએ જઈને છેતરપીંડી આચરતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આમરડી ગામના મનીષ લુહારે અમદાવાદની સોનલ ઉર્ફે સોનિયા સાથે ૨ લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના માત્ર ૨ દિવસમાં જ મનીષને જાણ થઈ હતી કે તેની પત્ની છેતરપિંડી કરતી ટોળકીની સભ્ય છે.
તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, સોનલે અગાઉ આમરડી નજીકના જ ચોપડવા ગામના મહેશ પરમાર સાથે પણ લગ્ન કર્યા હતા. મહેશ પરમાર પાસેથી ૨.૧૦ લાખ રૂપિયા પડાવીને સોનલે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ’માતાજીનું કામ છે’ તેમ કહી માવતરે જવાનું કહી ત્યાંથી નાશી ગઈ હતી. ત્યારબાદ તેણે મનીષ લુહારને શિકાર બનાવ્યો હતો. મનીષ સાથે લગ્ન કર્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સમગ્ર મામલે ભચાઉ ડિવિઝન ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે આરોપીઓને ઝડપ્યા છે. બંને પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે અને વધુ લોકો સાથે છેતરપીંડી થઈ હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી છે કે લગ્ન જેવા નિર્ણયો લેતા પહેલા પૂરતી ચકાસણી કરવી જરૂરી છે.

