Bhavnagar તા.16
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ‘તોડ-જોડ’ની રાજનીતિ અને સામા પક્ષના ઉમેદવારોને તોડવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખવા અમરેલીમાં નજરકેદ કર્યા હોવાની ઘટના સામે આવી છે.
આ દરમિયાન વડવા-અના કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત કરી હતી, જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ભાવનગરમાં ભારે ચર્ચા જગાડનાર બનાવની વિગતો એવી છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછા ન ખેંચે તે માટે તેમને શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન વડવા-અ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરતભાઈ કાંબડના ભાઈ રમેશભાઈ કાંબડે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ વિરૂધ્ધ પોતાના ભાઈને ગાયબ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે લાલભા ગોહિલને શહેર બહારના પોલીસ સ્ટેશને લઈ જઈ તેમની અટકાયત કરી હતી.
`મારૂ કોઈએ અપહરણ કર્યું નથી’ – ઉમેદવારનો ખુલાસો
બીજી તરફ, જે ઉમેદવારના અપહરણની વાત વહેતી થઈ હતી તે ભરતભાઈ કાંબડે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “માં કોઈએ અપહરણ કર્યું નથી. હું મારી રાજીખુશીથી આવ્યો છું. મને ઘણું પ્રેશર હતું એટલે હું નીકળી ગયો છું. પોલીસ કેસ કરાવવા માટે મારા ઘરના સભ્યો પર દબાણ કરવામાં આવ્યું હતું.” આ નિવેદન બાદ મામલો વધુ પેચીદો બન્યો હતો.
શક્તિસિંહ ગોહિલના પ્રહાર
આ ઘટના અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સત્તાના જોરે લોકશાહીને કલંકિત કરી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને કોંગ્રેસ પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તે અત્યંત નિંદનીય છે. જો આ પ્રકારનું દબાણ ચાલુ રહેશે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી ફોર્મ ખેંચાવવાના પ્રયાસો સામે રક્ષણ મેળવવા કોંગ્રેસે તેના અનેક ઉમેદવારોને અમરેલીમાં રાખ્યા હતા. જેમાં કાળિયાબીડ વોર્ડના આર્ચીબેન કુકડિયા, સોનલબેન પટેલ અને કૃતિબેન સંઘવી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.
આ ઘટનાક્રમ બાદ ભાવનગરના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે અને ચૂંટણી પૂર્વે જ બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો જંગ તેજ બન્યો છે.

