Bhavnagar,તા.૨
ગુજરાતમાં સાયબર માફિયાઓ અને મ્યૂલ અકાઉન્ટ્સ ચલાવતી ગેંગ સામે પોલીસે ગાળિયો વધુ મજબૂત કર્યો છે. સુરત અને અમદાવાદ બાદ હવે ભાવનગર પોલીસની સાયબર ક્રાઇમ ટીમે એક બહુ મોટા ઇન્ટરનેટ ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરમાં કમિશનની લાલચ આપીને નિર્દોષ લોકોના નામે ખોલવામાં આવેલા ૧૩૪ જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થતા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ૯આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ સમાચાર અપડેટ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ કમિશનની લાલચ આપીને લોકોના નામે બેંક એકાઉન્ટ ખુલડાવતા હતા અને પછી તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. આ પ્રકારના એકાઉન્ટને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે ૨૧.૩૭ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો પત્તો લાગ્યો છે. આ સમગ્ર નેટવર્ક દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે અત્યાર સુધી કુલ ૨૭૨ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. વિવિધ સાયબર ક્રાઇમ ફરિયાદોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, મોબાઇલ ફોન અને બેંકિંગ સંબંધિત વિગતો કબ્જે કરી છે. તપાસ એજન્સીઓ હવે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી છે. સાયબર ક્રાઇમ વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને પોતાના બેંક એકાઉન્ટ અથવા વ્યક્તિગત માહિતી અજાણ્યા લોકો સાથે શેર ન કરવા જણાવ્યું છે.હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

