Vadodara,તા.28
ચોરી તેમજ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવા સહિતના અસંખ્ય ગુનાઓ આચરનારી સુનિલપાન ગેંગના સાગરીતે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે અને સંગઠિત ગુનાખોરી અર્થતંત્ર અને જાહેર શાંતિ પર ગંભીર અસર કરે છે.
ઉલ્લેખનીય છે કે, સંગઠીત ગેંગ બનાવીને અસંખ્ય ગુનાઓ આચરનારી સુનિલપાન ગેંગ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમાસિંગ બાવરીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, અન્ય સહ-આરોપીઓને જામીન મળ્યા હોવાથી સમાનતાના ધોરણે અરજદારને પણ જામીન મળવા જોઇએ.

