Tehran તા.28
હોર્મુઝ સ્ટ્રેટ પર બેવડી નાકાબંધી હવે ઈરાનની મુશ્કેલી વધવા લાગી છે. ઈરાનની તેલ નિકાસ બંધ થવાથી હવે તેની પાસે સ્ટોરેજ કરવું એક સમસ્યા બની ગયું છે. ખાર્ગ દ્વીપ પર ઈરાનની ત્રણ કરોડ બેરલ કાચા તેલના સ્ટોરેજની ક્ષમતા છે, પરંતુ વિશેષજ્ઞોના અનુસાર આ સ્થાન 12-13 દિવસમાં ભરાઈ જશે.
હવે ઈરાન પોતાના 30 વર્ષ જૂના ટેન્કર જહાજ પર તેલ સ્ટોર કરી રહ્યું છે, જયારે તેલ સ્ટોરેજ ક્ષમતા પુરી થવા પર ઈરાનને પોતાના તેલ કૂવાઓને બંધ કરવાનો પણ ડર સતાવી રહ્યો છે.
દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાન પાસે સમજુતી માટે ત્રણ દિવસનો સમય છે, નહીં તો તેલની પાઈપલાઈનો ફાટી જશે. જયારે રશિયામાં અરાઘચીએ કહ્યું હતું કે યુદ્ધમાં અમેરિકા પોતાના કોઈપણ ઉદેશને પુરો નથી કરી શકયું. ટ્રમ્પના આવેદન પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઈરાને નાકાબંધી બંધ કરવા પર હોર્મુજ ખોલવાનો પ્રસ્તાવ આપ્યોઃ ઈરાને પાકિસ્તાનના માધ્યમથી અમેરિકાને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં ઈરાને વાતચીતની સીમાઓ અને શરતો સ્પષ્ટ કરી છે. સાથે સાથે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન દબાણમાં આવીને પોતાના મૂળ મુદ્દા સાથે સમજુતી નહીં કરે.
અમેરિકી મીડીયા રિપોર્ટસ મુજબ ઈરાન હોર્મુઝ ખોલવા તૈયાર છે. પરંતુ પરમાણુ મામલે વાત થશે. તેને ત્યારે ખોલવામાં આવશે જયારે અમેરિકા તેની નાકાબંધી હટાવશે. ઈરાનને અમેરિકા-ઈઝરાયેલ પાસેથી ગેરંટી જોઈશે કે ફરી હુમલા નહીં થાય. જયારે ઈરાનની સંસદમાં પ્રસ્તાવ આવ્યો છે કે હોર્મુઝનું નિયંત્રણ સેનાને સોંપી દેવામાં આવે.
શાંતિ માટે બધું જ કરશું
ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને કહ્યું હતું કે બન્ને દેશોના સંબંધો સૌથી ઉંચા સ્તરની રણનીતિક ભાગીદારી છે. તેમણે જંગ દરમિયાન રશિયાના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જયારે પુતિને કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં શાંતિ માટે તે બધું જ કરશે.

