America,તા,29
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટૅરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટૅરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર્સ ઍક્ટ'(IEEPA)નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટૅરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટૅરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.હવે ટ્રમ્પ પ્રશાસન નવી કાયમી ટૅરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ યુએસ ઈકોનોમીને વિદેશી સ્પર્ધાથી બચાવવાનો અને સરકારી આવક જાળવી રાખવાનો છે. આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ(USTR) દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જો કોઈ દેશ ‘અયોગ્ય’ કે ‘ભેદભાવપૂર્ણ’ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ ઍક્ટ-1974ના સેક્શન 301 હેઠળ કાયમી ટૅરિફ લાદવામાં આવશે. આ નવી નીતિનો સીધો બોજ આયાતકારો પર પડશે, જે અંતે મોંઘવારી સ્વરૂપે સામાન્ય જનતાએ ભોગવવો પડી શકે છે.હાલમાં અમેરિકા દ્વારા બે અત્યંત મહત્ત્વની તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તપાસ 60 દેશોમાં થતી ‘જબરન મજૂરી'(Forced Labor) પર છે, જેથી આ દેશોમાં મજૂરોનું શોષણ કરીને બનાવાયેલી સસ્તી ચીજોના આયાત પર રોક લગાવી શકાય. બીજી તરફ, ચીન, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા 16 મુખ્ય ટ્રેડ પાર્ટનર્સ સામે ‘ઓવર પ્રોડક્શન’ અંગેની તપાસ ચાલી રહી છે. આરોપ છે કે આ દેશો જાણીજોઈને વધુ પડતું ઉત્પાદન કરીને બજારમાં કિંમતો ઘટાડે છે, જેનાથી અમેરિકન ઉત્પાદકોને મોટું નુકસાન થાય છે. જો આ દેશો પોતાની વેપાર નીતિઓમાં સુધારો નહીં કરે, તો ટ્રમ્પ પ્રશાસન તેમના પર નવા અને આકરા ટૅરિફ લાદવાની તૈયારીમાં છે. મિડટર્મ ઈલેક્શન પહેલા લેવાયેલો આ આક્રમક નિર્ણય અમેરિકન ઉદ્યોગો અને નોકરીઓને સુરક્ષિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

