Washington તા.2
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને નાટો ના મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી રહી છે. પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા નાટો સહયોગી દેશ જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચી રહ્યું છે.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની ઉગ્ર ચર્ચા બાદ પ્રમુખ ટ્રમ્પે આ સૈન્ય કાપનો આદેશ આપ્યો છે. ચાન્સેલર મેર્ઝે નિવેદન આપ્યું હતું કે ’બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની વાટાઘાટોમાં ઈરાનીઓ અમેરિકાનું અપમાન કરી રહ્યા છે.’ આ નિવેદન સામે ટ્રમ્પે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ’મેર્ઝને ખબર નથી કે તે શું વાત કરી રહ્યો છે.’
ટ્રમ્પ દ્વારા મેર્ઝની આકરી ટીકા
બુધવારે ઓવલ ઓફિસમાં આયોજિત એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે જર્મન ચાન્સેલર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ’જર્મની હાલમાં ઊર્જા અને ઘૂસણખોરીની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.’
ટ્રમ્પે આક્ષેપ કર્યો કે, ’મેર્ઝ યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમના કૃત્યોને કારણે યુક્રેન મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયું છે. જર્મન ચાન્સેલર પર ત્યાં ફેલાતી અરાજકતામાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.’

