Amreli ,તા.૧૨
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે એસીબીની ટીમે એક મોટી કાર્યવાહી કરતા વંડા પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલ અને તેમને મદદ કરતા બે વચેટિયાઓને ૫૧,૦૦૦ રૂપિયાની લાંચના કેસમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસકર્મીઓ જ લાંચ લેતા પકડાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ વંડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેર ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન આરોપી (ફરિયાદીના મિત્ર) નો મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબ્જે ન કરવા, તેને શારીરિક ત્રાસ ન આપવા તેમજ તેનો ધંધો રાબેતા મુજબ શાંતિથી ચાલવા દેવા માટે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ અતુલભાઈ ચૌહાણ નામના વચેટિયા મારફતે ૧,૨૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે ૫૧,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કરીને ૧૦૬૪ ટોલ-ફ્રી નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ૧૧ મે ૨૦૨૬ ના રોજ વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલા ગોપીનાથ ઓઈલ મીલના ગેટ પાસે (જેસર-સાવરકુંડલા રોડ) છટકું ગોઠવ્યું હતું.
આયોજન મુજબ, મયુર ખુમાણ નામના શખ્સે હેડ કોન્સ્ટેબલ વિજય મેર વતી ફરિયાદી સાથે વાતચીત કરી અને ૫૧,૦૦૦ રૂપિયા લાંચ સ્વીકારી. લાંચ મળી ગયાની જાણ તેણે વિજય મેરને કરી, ત્યારબાદ પોલીસ સ્ટેશનના અન્ય હેડ કોન્સ્ટેબલ છગન ડાભી આ નાણાં લેવા આવ્યા. જેવા છગનએ મયુર ખુમાણ પાસેથી લાંચના નાણાં સ્વીકાર્યા, કે તરત જ એસીબીની ટીમે બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ વિજય મેરની વંડા પોલીસ સ્ટેશનમાંથી જ અટકાયત કરવામાં આવી હતી.
આમાં વંડા પોલીસ સ્ટેશનના બે પોલીસ હેડ કોન્સ્ટેબલ (વર્ગ-૩) વિજય મનસુખભાઇ મેર અને છગન માવજીભાઇ ડાભી, તેમજ સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે રહેતો વચેટિયો મયુર બાબુભાઇ ખુમાણ અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે રહેતો અન્ય એક વચેટિયો અતુલ ચૌહાણનો સમાવેશ થાય છે.
આ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો આચર્યો હોવાથી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક કરી હોવાથી એસીબી દ્વારા તમામ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

