(મિલાપ રૂપારેલ દ્વારા)
અમરેલી તા.૧૨ઃ
અમરેલી શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાને પ્રગટાવતું ભવ્ય શ્રીમદ્? દેવી ભાગવત મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબા બહુચર માતાની અપરંપાર કૃપાથી આ પવિત્ર કથાનું આયોજન શ્રી શિવ શક્તિ આનંદ ગરબા મંડળ દ્વારા રૂપાબેન ભાવેશભાઈ આડતિયાના મુખ્ય યજમાન પદે કરવામાં આવ્યું છે.
આ પવિત્ર કથાનો શુભ આરંભ અધિક જેઠ માસ સુદ-૧ તા.૧૭ ને રવિવાર થી તા.૨૫ સોમવાર સુધી અમરેલીના સુપ્રસિધ્ધ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. જ્યારે કથાવ્યાસ તરીકે જાણીતા વક્તા શાસ્ત્રી નેવિલ ‘‘કિશોર’’ આર. ભટ્ટ (ગાંધીનગર વાળા) પોતાની ભાવભીની વાણી દ્વારા શ્રીમદ્? દેવી ભાગવતનું અમૃતમય રસપાન કરાવશે. જ્યારે કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ૩-૩૦ થી ૬-૩૦ સુધી રહેશે.
આ ઉપરાંત વિવિધ દિવસોએ વિશેષ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે, કથાના પાવન પ્રસંગોમાં તા.૧૭ ના રોજ સવારે ૭-૩૦ કલાકે ભવ્ય પોથીયાત્રા યોજાશે.તા.૧૮ ના રોજ રાજા અને વેદવ્યાસ ચરિત્ર, તા.૧૯ નારોજ શ્રી દુર્ગા માતાજી અને રામચરિત્ર, તા.૨૦ ના શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને મહામાયા દેવી પ્રાગટ્ય, તા.૨૧ શ્રી નવદુર્ગા પ્રાગટ્ય, તા.૨૨ શ્રી શાકંભરી દેવી અને શ્રી શિવ વિવાહ ઉત્સવ, તા.૨૩ શ્રી રાધા ચરિત્ર, તા.૨૫ ના શ્રી ભુવનેશ્વરી દેવી અને મણિદ્વીપ વર્ણન તથા તા.૨૫ ના રોજ શ્રી ગાયત્રી દેવી ચરિત્ર અને કથા વિરામ યોજાશે.
આ સમગ્ર આયોજનમાં શિવશક્તિ આનંદ ગરબા મંડળ અને આડતિયા પરિવાર અમરેલી દ્વારા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આયોજકોએ અમરેલી સહિત આસપાસના વિસ્તારોના ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

