Kerala,તા,14
કેરળમાં યોજાયેલી ધારાસભા ચુંટણીમાં કોંગ્રેસ નેતૃત્વના યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (યુડીએફ)ને પુર્ણ બહુમતી મળ્યા પછી પણ નવા મુખ્યમંત્રી નિશ્ચિત કરવામાં 10 દિવસ સુધી જબરી કશ્મકશ અને સસ્પેન્સ સર્જયા બાદ આખરે કોંગ્રેસ મોવડીમંડળે રાજયના નવા સુકાની તરીકે પીઢ નેતા વીડી સતીશન પર પસંદગી કરી છે.
આજે રાજયમાં કોંગ્રેસના ચુંટાયેલા ધારાસભ્યની મળેલી બેઠકમાં તેઓને નેતા તરીકે ચુંટી કાઢવામાં આવ્યા છે. પાંચ રાજયોની ચુંટણીમાં એકમાત્ર કેરળમાં કોંગ્રેસને વિજય મળ્યો હતો અને તે બાદ મુખ્યમંત્રી પદ માટે રાહુલ ગાંધીની નજીક ગણાતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી કેસી વેણુગોપાલ અને છ વખત ધારાસભ્ય રહી ચુકેલા અને વિપક્ષના નેતા તરીકે કામગીરી કરી ચુકેલા પીઢ નેતા વીડી સતીશન વચ્ચે જબરી ખેંચતાણ હતી.
એક તબકકે પક્ષના ધારાસભ્યોની પણ સેન્સ લેવામાં આવી હતી અને તેમાં કેસી વેણુગોપાલના નામ પર બહુમતી ધારાસભ્યોએ સહમતી દર્શાવી હોવાનું બહાર આવ્યુ હતું પરંતુ કેરળમાં પક્ષના સંગઠન સાથે જોડાયેલા તમામ નેતાઓ વિડી સતીષનને મુખ્યમંત્રીપદ સોંપવા માટે આગ્રહી હતા.
તેમનું કહેવું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રાજયમાં ડાબેરી સરકાર સામે સતીષને જે રીતે આંદોલનો કર્યા અને લોકો સાથે જોડાયા તેના કારણે પક્ષને વિજય મળ્યો છે અને તેથી મુખ્યમંત્રીપદ માટે તેમને જવાબદારી મળવી જોઈએ.
આમ કોંગ્રેસ મોવડીમંડળની ગઈકાલે દિલ્હીમાં રાત્રે ત્રણ સુધી બેઠક ચાલી હતી અને બાદમાં વીડી સતીશનના નામની જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેઓ શપથ લેશે.

