Amreli, તા.14
અમરેલી જિલ્લાના રાજુલા પંથકની જનતા માટે આજે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજુલા મુકામે ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત આ 100 બેડની નિ:શુલ્ક હોસ્પિટલ થકી રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો આજે શુભારંભ થયો હતો.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થતાં રાજુલા પંથકના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધ પાત્ર ઘટાડો થશે અને સ્થાનિકસ્તરે જ સમયસર અને ઉત્તમ સારવાર મળી શકશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ હોસ્પિટલના આઈ.સી.યુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરી અને સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સેવાઓ રાજુલા પંથકમાં શરૂ કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી અને સ્થાપક સભ્ય અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને અભિનંદન આપ્યાહતાં. જ્યારે તમામ ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની પ્રરેણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ, સ્વ.અનિલકુમાર નંદલાલ મહેતા પરિવાર દ્વારા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2019માં ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ઓ.પી.ડી. અને ડાયાલીસીસ જેવા વિભગોમાં પ્રતિદિન દરરોજ 100 દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવતી હતી, જેના થકી આ યોજનાનો પાયો નંખાયો હતો.
વર્ષ 2019માં 3 ઓક્ટોબરના રોજ આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલની સંપૂર્ણ સેવાઓ આગમી ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે ઓ.પી.ડી સહિતની કેટલીક સેવાઓ ગુરૂવારથી શરૂ થશે.હોસ્પિટલમાં લેબોરેટરી, મેડિકલ સ્ટોર અને ભોજનાલય જેવી સેવાઓ પણ આપવામાં આવશે.
દાતાઓના સહયોગથી નિર્મિત આ હોસ્પિટલ માનવ સેવાના ઉત્તમ સંકલ્પનું પ્રતિક બની રહેશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ આ સેવા કાર્યથી આ વિસ્તારના હજારો પરિવારોને સીધો લાભ મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું સંસ્થાના ટ્રસ્ટીઓ અંબરીશ ડેર, અજયભાઈ મહેતા, દાતાઓ માયાભાઈ આહીર સહિત રાજુલાના રહેવાસીઓએ હોસ્પિટલના પ્રાંગણમાં અભિવાદન કર્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરત સુતરીયા, રાજુલા જાફરાબાદ મતવિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા લીલીયા મતવિસ્તાર ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, એ.એસ.પી. જયવીર ગઢવી, સ્થાનિક અગ્રણીઓ, તબીબો તેમજ હોસ્પિટલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

