Nikhil Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં ગત સપ્તાહ દરમિયાન ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ એકંદરે તેજી તરફી માહોલ જોવા મળ્યો. સપ્તાહની શરૂઆત વૈશ્વિક નબળા સંકેતોના કારણે દબાણ સાથે થઈ હતી અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવથી રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો ત્યારબાદ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની લાર્જકેપ સ્ટોકમાં ખરીદીથી બજારમાં સુધારો નોંધાયો અને ટૂંકી વેચવાલી આવરણના કારણે સૂચકાંકોમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પસંદગીયુક્ત ખરીદીથી વ્યાપક બજારમાં સ્થિરતા રહી અને સપ્તાહ દરમિયાન બજારનું માળખું “તેજી સાથે સ્થિરતા” દર્શાવતું રહ્યું.
દેશમાં રાજયોની ચૂંટણીઓ પૂરી થઈ અને હમણાં સુધી અણદેખા કરાયેલા અનેક નેગેટીવ પરિબળો એકસાથે સપાટી પર લાવીને જાણે કે, ભારત મહાઆર્થિક સંકટમાં ઘેરાઈ ગયું હોય એમ ભારતીય રૂપિયો નવા ઐતિહાસિક ૯૫.૭૪ના તળીયે, ક્રુડ ઓઈલ નાયમેક્ષ ૧૦૧ ડોલર અને બ્રેન્ટ ૧૦૭ ડોલરની સપાટી પાર કરી જવું, દેશમાં મોંઘવારી-ફુગાવાનો આંક વધીને ૧૩ મહિનાની ટોચે પહોંચી જવો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતમાં ઉચાળા ભરવાનું ચાલુ રાખીને શેરોમાં દરેક ઉછાળે જંગી વેચવાલી શરૂ કરી દેવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરેલી અપીલે જાણે મહાસંકટમાં દેશ ઘેરાઈ ગયો હોવાનો સંકેત અને સપ્તાહના અંતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનાની બે દિવસની મુલાકાતમાં ચાઈનીઝ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મીટિંગના પ્રાથમિક અહેવાલ પોઝિટીવ રહ્યા છતાં તાઈવાન મામલે ચાઈનાએ અમેરિકાની વચ્ચે નહીં પડવાની ચીમકી આપતાં અને બીજી તરફ ઈરાન અને કુવૈત વચ્ચે જહાજ પર હુમલાની ઘટના અને હોર્મુઝ સ્ટ્રીટમાં અટવાયેલા સંખ્યાબંધ જહાજોને મુક્ત કરવા મામલે વિરોધાભાસી અહેવાલોએ વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણનો વપરાશ ઘટાડવા, સોનાની ખરીદી એક વર્ષ નહીં કરવા અને વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલને પોઝિટીવ પ્રતિસાદ દ્વારા ફોરેન ફંડો ફરી શેરોમાં લેવાલ બન્યા હતા. ફોરેન ફંડો સાથે લોકલ ફંડો, મહારથીઓએ શેરોમાં આક્રમક તેજી કરી હતી અને બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી.
વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં પણ સાપ્તાહિક મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બજારમાં નફાવસૂલી જોવા મળી અને બોન્ડ યીલ્ડમાં વધઘટ રોકાણકારો માટે ચિંતાનો વિષય રહી. યુરોપિયન બજારોમાં મર્યાદિત સ્થિરતા જોવા મળી, પરંતુ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા યથાવત રહી. ડોલર સૂચકાંક મજબૂત રહેતા ઉદયમાન બજારોમાં સાવચેતીનો માહોલ રહ્યો. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી મોંઘવારી અંગે ચિંતા વધી અને મધ્ય પૂર્વની ભૂરાજકીય તંગદિલી બજાર સેન્ટિમેન્ટ પર અસરકારક રહી. સુરક્ષિત રોકાણ માંગ વધતા સોનામાં મજબૂતી જોવા મળી.
સ્થાનિક પરિબળો :- સ્થાનિક બજારમાં સંસ્થાગત ખરીદી મુખ્ય સકારાત્મક પરિબળ રહી. બેંકિંગ, ફાર્મા, ટેલિકોમ, સિમેન્ટ અને ફન્ડામેન્ટલ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. સરકારના મૂડી ખર્ચ અંગે સકારાત્મક અપેક્ષાએ રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો સાથે સાથે નાના રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી અને રૂપિયા સ્થિર રહેતા બજારમાં થોડી રાહત જોવા મળી. જોકે ઊંચા મૂલ્યાંકનના કારણે રોકાણકારો પસંદગીયુક્ત અભિગમ અપનાવતા રહ્યા અને વિદેશી રોકાણકારોનું વલણ મિશ્ર તથા સાવચેત રહ્યું. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય ટેકો બની. બેંકિંગ અને વીજ ઉત્પાદન શેરોમાં મજબૂતી તેમજ સ્થાનિક નાણાં પ્રવાહમાં વધારાથી સકારાત્મક સેન્ટિમેન્ટ રહ્યું. લાર્જ કેપ શેરોમાં મૂલ્ય આધારિત ખરીદી અને નાના રોકાણકારોની સક્રિય ભાગીદારી બજાર માટે અનુકૂળ રહી.
ફાર્મા અને કેપિટલ ગુડસ સેક્ટરમાં રક્ષણાત્મક માંગ વધવાથી બજારને વધુ ટેકો મળ્યો.
મિત્રો, વૈશ્વિક અસ્થિરતા બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ તરીકે જોવા મળી શકે છે. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ડોલર સૂચકાંકમાં મજબૂતીના કારણે રોકાણકારોમાં સાવચેતી જોવા મળી. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી મોંઘવારી અંગે ચિંતા વધી. આઈ ટી અને મેટલ શેરોમાં દબાણ યથાવત રહ્યું. દરેક ઉછાળે નફાવસૂલી અને વેચવાલીનું દબાણ બજાર માટે અવરોધરૂપ બન્યું.
ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજાર તેજી સાથે અસ્થિર રહી શકે છે. મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ સ્તર ઉપર ટકવું બજારમાં નવી તેજી માટે ટકી રહેવું જરૂરી રહેશે કારણ કે ઉપરના સ્તરે અવરોધ દબાણ યથાવત રહી શકે છે. વૈશ્વિક સંકેતો અને વિદેશી નાણાં પ્રવાહ આગામી દિશા નક્કી કરશે. બેંકિંગ અને દરેક રક્ષણાત્મક સેક્ટર આગામી સમયમાં તુલનાત્મક મજબૂતી બતાવી શકે છે. પસંદગીયુક્ત રોકાણ અભિગમ વધુ યોગ્ય રહેશે.
રોકાણકારોએ ઘટાડા દરમિયાન ખરીદીનો અભિગમ અપનાવવો જોઈએ અને મજબૂત મોટી મૂડીવાળા શેરોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બેંકિંગ અને દૈનિક વપરાશ સેક્ટરમાં પસંદગીયુક્ત રોકાણ વધુ યોગ્ય રહી શકે છે. ઊંચી અસ્થિરતા વચ્ચે કડક નુકસાન મર્યાદા જાળવવી જરૂરી રહેશે. વધુ જોખમી અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ મર્યાદિત રાખવું જોઈએ. ટૂંકા ગાળાના ટ્રેડર્સ દ્વારા ઝડપી નફાવસૂલી વ્યૂહરચના અપનાવવી, જ્યારે લાંબા ગાળાના રોકાણકારો માટે ગુણવત્તાસભર શેરોમાં નિયમિત રોકાણ અનુકૂળ રહેશે બાકી સરેરાશ.. તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!! કેમ ખરું ને…
તા.૧૮.૦૫.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૫.૦૫.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૩૭ પોઈન્ટ થી ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
ભારતી ઐરટેલ ( ૧૯૦૩ ) :- A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૮૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૨૩ થી રૂ.૧૯૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
અદાની પોર્ટસ ( ૧૭૯૪ ) :- રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( ૯૧૭ ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૯૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૮૫ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૩૪ થી રૂ.૯૪૭ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
સિન્જીન ઇન્ટરનેશનલ ( ૪૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૪૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
વરુણ બેવરેજીસ ( ૪૨૩ ) :- રૂ.૩૯૩ નો પ્રથમ તેમજ રૂ.૩૯૦ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૪૪૩ થી રૂ.૪૫૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
KPI ગ્રીન એનર્જી ( ૪૨૩ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૪૩ થી રૂ.૪૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૯૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સેલો વર્લ્ડ ( ૪૦૧ ) :- રૂ.૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૧૭ થી રૂ.૪૩૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
ઝાયડસ વેલનેસ ( ૫૦૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૮૮ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
આઈટીસી લીમીટેડ ( ૩૧૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
ACME સોલર હોલ્ડિંગ્સ ( ૨૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૪ આસપાસ રોકાણકારે રૂ.૨૮૮ થી રૂ.૨૯૫ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૫૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

