New Delhi,તા.16
જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતાં હો તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. આ બ્રાઉઝરમાં કેટલીક ગંભીર સુરક્ષાને લગતી ખામીઓ સામે આવી છે, જેના કારણે સાઇબર હુમલાખોરો સિસ્ટમને નિશાન બનાવી શકે છે. આ ખામીઓનો લાભ લઈને હેકર્સ યુઝર્સનો ખાનગી ડેટા ચોરી શકે છે, માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં આખી સિસ્ટમ બંધ પણ કરી શકે છે.
આ વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારી એજન્સી CERT-In એ એક મહત્ત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ દુનિયાના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક છે અને ભારતમાં કરોડો લોકો તેનો ઉપયોગ ઓફિસ તેમજ વ્યક્તિગત કામ માટે કરે છે. આથી એમાં કોઈ સમસ્યા આવતાં દુનિયાભરમાં કરોડો લોકો ટાર્ગેટ બની શકે છે.
સરકારી એજન્સી દ્વારા જાહેર કરાયેલા એલર્ટ અનુસાર Linux પર 148.0.7778.96 અને Windows તથા Mac સિસ્ટમ પર 148.0.7778.96/97 કરતાં જૂના વર્ઝનમાં આ સુરક્ષા ખામીઓ મળી આવી છે. આ ખામીઓનો ઉપયોગ કરીને હુમલાખોરો યુઝર્સને ખતરનાક વેબસાઇટ ખોલવા અથવા નુકસાનકારક લિંક પર ક્લિક કરવા માટે ફસાવી શકે છે. જો આવું થાય તો હેકર્સ સિસ્ટમમાંથી પાસવર્ડ, બેન્કિંગ માહિતી અને અન્ય સંવેદનશીલ ડેટા ચોરી શકે છે. આ સિવાય તેઓ સિસ્ટમ ક્રેશ કરી શકે છે અને બ્રાઉઝરની સુરક્ષા વ્યવસ્થાને પણ બાયપાસ કરી શકે છે, જેના કારણે ડિવાઇસ વધુ જોખમમાં મુકાઈ શકે છે.
ક્રોમમાં મળી આવેલી સુરક્ષા ખામીઓ
સાયબર સુરક્ષા એજન્સી મુજબ ક્રોમના ઘણા આંતરિક કોમ્પોનેન્ટમાં સુરક્ષા ખામીઓ મળી આવી છે. માહિતી અનુસાર ક્રોમના:
- રેન્ડરિંગ એન્જિન
- ગ્રાફિક્સ પ્રોસેસિંગ
- મેમરી હેન્ડલિંગ સિસ્ટમમાં આ ખામીઓ જોવા મળી છે.
આ સિવાય મેમરી એરર, ઇનપુટ વેલિડેશનમાં ગડબડ અને સુરક્ષા નીતિઓને બાયપાસ કરવાની સમસ્યાઓ પણ શોધાઈ છે. આ તમામ બાબતો ટેક્નિકલ લાગી શકે છે, પરંતુ તેની સીધી અસર યુઝરના ડેટા અને ડિવાઇસની સુરક્ષા પર પડી શકે છે.
એજન્સીએ તમામ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ તરત જ પોતાનું ગૂગલ ક્રોમ બ્રાઉઝર અપડેટ કરે. કંપનીએ આ સુરક્ષા ખામીઓને ઠીક કરવા માટે નવા સિક્યુરિટી પેચ જાહેર કર્યા છે, જેને બ્રાઉઝર અપડેટ કરીને ઇન્સ્ટોલ કરી શકાય છે. ક્રોમ અપડેટ કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
1. ગૂગલ ક્રોમ ખોલો
2. ઉપર જમણી બાજુ આવેલા ત્રણ ડોટ પર ક્લિક કરો
3. “Help” વિભાગમાં જાઓ
4. “About ગૂગલ ક્રોમ” પર ક્લિક કરો
5. જો કોઈ નવું અપડેટ ઉપલબ્ધ હોય તો તેને તરત ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો
સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે લેટેસ્ટ ફીચર્સ અને બગ્સથી બચવા માટે હંમેશા એપ્સ અને સોફ્ટવેર અપડેટેડ રાખવા જોઈએ. નિયમિત અપડેટ ડેટાને હેકર્સ અને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

