Bhuj , તા.16
કચ્છના મુન્દ્રા પોર્ટ પર વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા સંયુક્ત ગુપ્ત ઓપરેશન હેઠળ અંદાજે 200 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઝડપાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 115 કરોડ કરતાં પણ વધુ આંકવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ગુપ્ત રીતે કરવામાં આવી હતી. કોઈને શંકા ન જાય તે માટે NCB અધિકારીઓ પોર્ટ પર ઓટો રિક્ષામાં બેસીને પહોંચ્યા હતા. આ ગુપ્ત ઓપરેશન હેઠળ હાથ ધરેલી તપાસ દરમિયાન ઉનની આડમાં છુપાવેલો 200 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 115 કરોડ કરતા વધુ છે.
આ ડ્રગ્સ સિરિયાથી આયાત કરવામાં આવેલા એક ક્ધટેનરમાં છુપાવવામાં આવ્યું હતું, જેના સત્તાવાર દસ્તાવેજોમાં ઊનની આયાત દર્શાવવામાં આવી હતી. કસ્ટમ વિભાગની મદદથી આ શંકાસ્પદ ક્ધટેનરને ઓળખી કાઢવામાં આવ્યું અને તેને ટ્રાન્સવર્લ્ડ ક્ધટેનર ફ્રેટ સ્ટેશન ખાતે ખસેડાયા બાદ, સ્થાનિક આયાતકારની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. NCB દ્વારા મુન્દ્રાના એક સ્થાનિક આયાતકારની ઓળખ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ જથ્થો દિલ્હીની કોઈ પાર્ટી દ્વારા આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં બારોઇ વિસ્તારના એક શખ્સની શંકાસ્પદ ભૂમિકા પણ તપાસના દાયરામાં છે.
બારોઇ વિસ્તારના એક શખ્સે ડ્રગ માફિયાઓને સ્થાનિક સ્તરે ’ગોઠવણ’ કરી આપી હોવાની અટકળો છે. તે દિશામાં કસ્ટમની SIIB શાખા અને DRI સઘન તપાસ ચલાવી રહ્યા છે. હાલમાં પકડાયેલા ડ્રગ્સના નમૂના મેળવીને તેને સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે તે શોધવા એજન્સીઓએ તપાસ તેજ કરી છે.
નોંધનીય છે કે, મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ સપ્ટેમ્બર 2021માં અફઘાનિસ્તાનથી આવેલું 2988 કિલો હેરોઈન (અંદાજિત 22 હજાર કરોડ), મે 2022માં 260 કરોડનું 52 કિલો હેરોઈન, અને જુલાઈ 2022 માં ગુજરાત અઝજ દ્વારા 376 કરોડનું 75 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

