Rajkot, તા.16
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેના પરિણામો બાદ હવે નવા સુકાનીઓની નિયુક્તિની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત તથા જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અનુક્રમે તા.25 મે અને તા.23મી મેના રોજ યોજાશે.
રાજ્યના વિકાસ કમીશ્નર દ્વારા પંચાયતોના સુકાનીઓની ચૂંટણી માટેની સુચના જાહેર કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તા.25 મેના સોમવારે યોજવાની સુચના આપવામાં આવી છે.
અઢી વર્ષની પ્રથમ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થશે. આ માટે તા.24ને રવિવારે સવારે 11થી બપોરે બે વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. જિલ્લા પંચાયતના સેક્રેટરીને નિયત નમુનામાં ફોર્મ રજુ કરવાના રહેશે. તેઓ ગેરહાજર હોય તો નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. પ્રથમ બોર્ડની અધ્યક્ષતા માટે જિલ્લા કલેક્ટરની નિમણુક કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના સુકાનીઓની ચૂંટણીની તારીખો ફાઇનલ થઇ જતાં હવે ભાજપમાં પદ મેળવવા માટે આંતરિક ખેંચતાણ વધવાના સંકેત છે. જો કે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં સુકાનીઓના નામોની ચર્ચા થઇ જ ચુકી છે છતાં વગ વાપરવાના પ્રયાસ થવાનું મનાય છે. સૂત્રોએ એમ કહ્યું કે ભાજપ દ્વારા નવા સુકાનીઓના નામો છેલ્લી ઘડીએ જાહેર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં 36માંથી 34 બેઠકો પર જીત મેળવીને ભાજપે વિજય વાવટો ફરકાવ્યો હતો. બીજી તરફ રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
તમામ 11 તાલુકામાં તા.23મીએ બપોરે 12 વાગ્યે સુકાનીઓની ચૂંટણી થશે. તેના માટે તા.22મીએ ફોર્મ ભરવાના રહેશે. આ બોર્ડ મીટીંગ માટેના અધ્યક્ષ પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ તાલુકા પંચાયત માટે પ્રાંત અધિકારી (રાજકોટ-1)ની નિયુક્તિ થઇ છે. પડધરી તાલુકા પંચાયતમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેક્ટર, લોધિકામાં ગ્રામ્ય પ્રાંત અધિકારી, કોટડા સાંગાણીમાં ગ્રામ્ય સ્ટેમ્પ ડ્યુટી નાયબ મામલતદાર, ગોંડલમાં પ્રાંત અધિકારી, જેતપુરમાં મોડલ પ્રાંત અધિકારી, ધોરાજી, ઉપલેટા, જસદણ તથા વિંછીયામાં પ્રાંત અધિકારી અને જામકંડોરણામાં જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં પણ ભાજપની જ બહુમતિ છે. એક માત્ર ઉપલેટા તાલુકા પંચાયતમાં બહુમતિમાં છેટુ રહી ગયું હતું પરંતુ આમ આદમી પાર્ટીના સભ્ય ભાજપમાં જોડાઇ જતાં બહુમતિ થઇ ગઇ હતી.
સૂત્રોએ એમ કહ્યું છે કે પંચાયતોમાં સામાન્ય સભા બોલાવવા માટે કાયદા મુજબ છ દિવસ પૂર્વે એજન્ડા બહાર પાડવાનો થાય છે અને તેને ધ્યાને રાખીને 23 તથા 25મી તારીખ નકકી થઇ છે.

