Rajkot. તા.16
ન્યારી ડેમ પાસે લકઝરી કાર પર બેસી રિવોલ્વર સાથે ફોટા પાડતાં બે છાત્રોને એસઓજીની ટીમે દબોચી જર્મન બનાવટની રિવોલ્વર, જીવતા કારટીસ અને વૈભવી કાર મળી રૂ.83.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર રહેતાં બંને વિદ્યાર્થી રાજકોટ મિત્રના લગ્નમાં આવ્યાં હતા અને સગીર મિત્રએ હથીયારની વ્યવસ્થા કરી દેતાં ફોટા પાડવા પહોંચ્યા ત્યાં જ એસઓજી ત્રાટકી હતી.
દરોડાની વિગત મુજબ, એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ હાર્દિકર્સિહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા અને ક્યુઆરટીના હેડ કોન્સ્ટેબલ અશ્વીનભાઈ ડાંગર સાહિતનક સ્ટાફ ન્યારી ડેમ મેઇન રોડ સરલા કામદાર સેટરી પાર્ક પાસે પહોંચતા કાર નં. GJ-01-KW-0007 માં બે શખ્સો શંકાસ્પદ હાલતમાં રિવોલ્વર સાથે ઉભેલ હોય જેથી બન્ને શખ્સોની તુરંત અટક કરી બંનેના નામ પુછતા પોતાનુ નામ ધ્રુમીલ અમીત ઠાકોર (ઉ.વ.20, ધંધો-અભ્યાસ રહે – ધાટલોડીયા ગામ, ડભોડીયાવાસ, રામાપીરના મંદિરની બાજુમાં, અમદાવાદ) અને સાથેના શખ્સે આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.18,ધંધો અભ્યાસ રહે- સુર્યા સ્ટેટર સોસાયટી બ્લોક નં.એફ-102 કુડાસણ ગાંધીનગર) હોવાનું જણાવેલ હતું.
અટક કરેલ ધ્રુમીલ ઠાકોર પાસેથી એક રિવોલ્વર મળી આવેલ અને રીવોલ્વર કબ્જામાં રાખવા બાબતે કોઇ લાયસન્સ પણ ન હતું. તેમજ રીવોલ્વરની ચેમ્બર ખોલી જોતા તેમાંથી એક જીવતો કાર્ટીસ મળી આવેલ હતો. જેથી એસઓજીની ટીમે જર્મન બનાવટની રીવોલ્વર રૂ. 1.25 લાખ અને જીવતા કાર્ટીસ નંગ-01, રૂ.80 લાખની કાર, 3 મોબાઈલ, સહિત રૂ.83.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે ધ્રુમીલને રિવોલ્વર બાબતે પુછતા જણાવેલ હતું કે, રાજકોટ રહેતો તેનો સગીર મિત્ર લાવેલ હતો અને પોતે તથા આદિત્યસિંહ રાઠોડ રિવોલ્વરના ફોટા પાડવા પોતાની પાસે રાખેલ હોવાની કબૂલાત આપી હતી.
તેમજ આદિત્યસિંહ રાઠોડને રિવોલ્વર બાબતે પુછતા જણાવે છે કે, પોતે અને ધ્રુમીલ ઠાકોર અમદાવાદથી રાજકોટ એક પ્રસંગમાં આવેલ અને રિવોલ્વર ફોટા પાડવા માટે તેના સગીર મિત્રએ આપેલ હોવાનું જણાવેલ હતું. બંને શખ્સો કાર પર બેસી ફોટા પાડતાં હતાં અને પકડાઈ ગયાં હતાં.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, બન્ને શખ્સો મિત્રના લગ્નમાં વૈભવી કાર આપવા આવ્યાં હતા. જે દરમિયાન બંને શખ્સોએ તેના સગીર મિત્રને ફોટા પાડવાનું કહેતાં સગીરે હથિયારની વ્યવસ્થા કરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી આદિત્યસિંહ રાઠોડ વિરુદ્ધ વાહન અકસ્માતના ત્રણ અને એક મારામારીનલ ગુનો નોંધાયેલ છે.
પકડાયેલ હથિયાર લાયસન્સ વાળું અને સગીરના કાકાનું હોવાનું ખુલ્યું
ન્યારી ડેમ પાસેથી બે શખ્સો હથિયાર સાથે પકડાતા એસસોજીની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં બંને શખ્સોને રાજકોટ રહેતા એક સગીરે હથિયાર પૂરું પાડ્યું હોવાનું ખુલતા તે સગીરની પણ અટક કરી પૂછતાછ કરતા તે હથિયાર તેના કાકાનું લાઇસન્સ વાળું હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે તે હથિયાર કબજે લઈ લાયસન્સ અંગે તપાસ હાથ ધરી છે.

