Ahmedabad,તા.19
કેનેડાના વીઝા અપાવવાના અને પીઆર (PR) કરાવી આપવાના બહાને નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ચકચારી કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો આદેશ સંભળાવ્યો છે. અદાલતે આ કેસના ત્રણ આરોપીઓ કેતુલ કેશુભાઇ ચૌધરી, કોમલબેન કેતુલ ચૌધરી અને કેશનુભાઇ કાનજીભાઇ ચૌધરીને અગાઉ આપવામાં આવેલા આગોતરા જામીન તાત્કાલિક અસરથી રદબાતલ ઠરાવ્યા છે.
જસ્ટિસ ઉત્કર્ષ દેસાઇએ આરોપીઓ પ્રત્યે આકરું વલણ અપનાવતા પોલીસને આ ત્રણેયની તાત્કાલિક ધરપકડ કરવાનો કડક આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ કડક વલણને જોતા આરોપીઓ તરફથી આ હુકમ સામે ત્રણ સપ્તાહ માટે સ્ટે આપવાની વિનંતી કરવામાં આવી હતી, જેને અદાલતે ધરાર ફગાવી દીધી હતી.
આ સમગ્ર છેતરપિંડીના મામલે પીડિત ધીરજકુમાર જયંતિભાઇ ચૌધરી દ્વારા વિસનગર ટાઉન પોલીસ મથકમાં અને ત્યારબાદ મહેસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી અને અન્ય ભોગ બનનારાઓ પાસેથી વિદેશ મોકલવાના ઓઠા હેઠળ અંદાજે રૂપિયા 1.19 કરોડથી વધુની માતબર રકમ પડાવી લીધી હતી.
આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આશિષ કેશુભાઇ ચૌધરી પોલીસને હાથ લાગ્યો નથી અને તે વિદેશ નાસી ગયો છે, જ્યારે અન્ય આરોપીઓ સામે પોલીસ તપાસ હજુ પણ ચાલી રહી છે.
અગાઉ આ કેસમાં ધરપકડથી બચવા માટે આરોપીઓએ હાઇકોર્ટ સમક્ષ સાચી હકીકતો છુપાવીને શરતી જામીન મેળવ્યા હતા. તેઓએ અદાલત સમક્ષ બાંહેધરી આપી હતી કે પીડિતને ચૂકવવાના થતા રૂપિયા 60 લાખની સામે માત્ર રૂપિયા 21 લાખ દર્શાવી, તેઓ બાકીના રૂપિયા 80 લાખ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવી દેશે.
આ ખાતરીના આધારે જ હાઇકોર્ટે તેમને શરતી મુક્તિ આપી હતી. પરંતુ, જામીન મળ્યા બાદ આરોપીઓએ કોર્ટમાં આપેલી ખાતરીનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું અને નક્કી કરેલી રકમ જમા કરાવી ન હતી. આથી, પીડિત ફરિયાદી ધીરજકુમાર ચૌધરીએ કાયદાનો આશરો લઇને ત્રણેય આરોપીઓના આગોતરા જામીન રદ કરાવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
અદાલતી સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષના એડવોકેટ નરેન બી. ગઢવીએ ધારદાર દલીલો કરતા કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આરોપીઓએ હાઇકોર્ટની જામીન શરતોનો ક્રૂર મજાક બનાવ્યો છે. કોર્ટ સમક્ષ કરાયેલી બાંહેધરી અનુસાર આરોપીઓએ દર બે મહિને રૂપિયા પાંચ-પાંચ લાખ જમા કરાવવાના હતા, પરંતુ તેઓએ આ નિયમનું પાલન કર્યું નથી. આરોપીઓએ 29 મે 2025 સુધીમાં માત્ર રૂપિયા 34 લાખ જ જમા કરાવ્યા હતા.
ત્યારબાદ એક પણ રૂપિયો ભર્યો ન હતો. વકીલે ભારપૂર્વક જણાવ્યું કે, આરોપીઓએ ખુદ હાઇકોર્ટને પણ અંધારામાં રાખીને, છેતરીને જામીન મેળવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત હોવાથી તેમને જેલના સળિયા પાછળ ધકેલવા અનિવાર્ય છે.
દરમિયાન, હાઇકોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને લઇને વિસનગર કોર્ટના રજિસ્ટ્રાર પાસેથી એક સત્તાવાર રિપોર્ટ મંગાવ્યો હતો. રજિસ્ટ્રાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓએ કોર્ટ સમક્ષ આપેલી બાંહેધરી મુજબની કોઇ રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવી નથી અને તેઓ અદાલત સાથે છેતરપિંડી કરીને બહાર ફરી રહ્યા છે.
હાઇકોર્ટે રજિસ્ટ્રારના આ અહેવાલ અને આરોપીઓની નકારાત્મક વર્તણૂંકની ભારે ગંભીર નોંધ લીધી હતી. અંતે, ફરિયાદપક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન રદ કરી વિસનગર પોલીસને તેમને તુરંત જેલ ભેગા કરવાનો હુકમ કર્યો હતો.

