Ahmedabad, તા.20
વડોદરાના સેવાસી વિસ્તારમાં બહુચર્ચિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ `પ્રિયા ક્રોસ રોડેસ’ ના બિલ્ડર સામે ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
પ્રોજેક્ટના પ્રમોટર મેસર્સ શિરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાહકને સમયસર ફ્લેટનો કબજો સોંપવામાં નિષ્ફળ રહેતા ઓથોરિટીએ ફરિયાદી ગ્રાહકના પક્ષમાં ચુકાદો આપીને પૂરેપૂરી રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ કર્યો છે. રેરા ઓથોરિટીના સભ્ય ડો. એમ. ડી. મોડિયાની કોરમ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ કેસની વિગત એવી છે કે ફરિયાદી શ્રીમતી રેશમા કનૈયાલાલ અશનાનીએ સેવાસી ગામના ટી.પી. સ્કીમ નંબર 3 ના પ્લોટ નંબર 70 પર બની રહેલી `પ્રિયા ક્રોસ રોડસ્’ નામની સ્કીમમાં ફ્લેટ નંબર બી-604 કુલ 40,00,000 રૂપિયાની કિંમતમાં બુક કરાવ્યો હતો.
આ અંગે ગ્રાહક અને બિલ્ડર વચ્ચે તારીખ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ રજીસ્ટર્ડ વેચાણ કરાર (કબજા રહિત) કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ પોતાના તરફથી કુલ નક્કી થયેલી 40 લાખ રૂપિયાની રકમ પ્રમોટરને ચૂકવી આપી હતી, જેમાં પાંચ લાખ રૂપિયા ચેકથી અને બાકીના 35 લાખ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માંથી મેળવેલી હાઉસિંગ લોન દ્વારા ચૂકવવામાં આવ્યા હતા.
રજીસ્ટર્ડ બાનાખત કરારની શરતો અનુસાર, પ્રમોટરે ફ્લેટનો કબજો તારીખ 31 ડિસેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં સોંપી દેવાનો હતો. જો કે, બિલ્ડર આ સમયમર્યાદામાં મકાન વપરાશનું પ્રમાણપત્ર (BU પરમિશન) મેળવવામાં અને ગ્રાહકને કાયદેસર રીતે કબજો ઓફર કરવામાં નિષ્ફળ ગયા હતા.
બિલ્ડરે વડોદરા મહાનગરપાલિકા પાસેથી છેક 11 ડિસેમ્બર 2025 ના રોજ આ પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ લાંબા વિલંબ અને બાંધકામની ગુણવત્તાના પ્રશ્નોને કારણે ગ્રાહકે રેરા એક્ટની કલમ 18(1) હેઠળ પ્રોજેક્ટમાંથી મુક્ત થઈને પોતાના નાણાં વ્યાજ સહિત રિફંડ મેળવવા માટે ફરિયાદ દાખલ કરી હતી.
સામે પક્ષે બિલ્ડર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે કરારની શરતો મુજબ જો ગ્રાહક બુકિંગ રદ કરાવવા માંગતા હોય તો પાંચ લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવાનો બિલ્ડરને અધિકાર છે. વધુમાં બિલ્ડરે દલીલ કરી હતી કે ગ્રાહકે જીએસટી, મેન્ટેનન્સ અને સ્ટેમ્પ ડ્યુટી જેવા વધારાના ચાજીર્સ ચૂકવ્યા ન હતા.
જો કે, રેરા ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે, બિલ્ડર પોતે નિયત સમયમર્યાદામાં કબજો આપવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેઓ ગ્રાહકની રકમમાંથી કોઈ પણ પ્રકારની કપાત કે જપ્તી કરવા માટે હકદાર નથી અને ગ્રાહક સંપૂર્ણ રિફંડ મેળવવા માટે કાયદેસર લાયક ઠરે છે.
આ કેસની ગંભીરતા અને બેંક લોનની સંડોવણીને ધ્યાનમાં રાખીને રેરા ઓથોરિટીએ પબ્લિક મનીની સુરક્ષા કાજે એક ખાસ વ્યવસ્થા નક્કી કરી છે. ઓથોરિટીએ બિલ્ડર મેસર્સ શિરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સખત આદેશ કર્યો છે કે તેમણે ચુકાદાના 45 દિવસની અંદર આ 40,00,000 રૂપિયાની રકમ અને તેના પર ચૂકવણીની તારીખથી ગણીને વાર્ષિક 9 ટકા લેખે થતું વ્યાજ ફરિયાદી ગ્રાહકના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હાઉસિંગ લોન એકાઉન્ટમાં સીધું જમા કરાવવું પડશે.
બેંકને પણ એવી સૂચના આપવામાં આવી છે કે આ રકમ જમા થયા બાદ લોનની બાકી નીકળતી તમામ લેણી રકમ વસૂલ કરી લીધા પછી જો કોઈ રકમ વધે, તો તે ફરિયાદી શ્રીમતી રેશમા અશનાનીને પરત કરી દેવી.
આ સાથે જ બંને પક્ષો વચ્ચે થયેલો જૂનો રજીસ્ટર્ડ વેચાણ કરાર રદ જાહેર કરવામાં આવ્યો છે. જો આ ચુકાદાથી કોઈ પક્ષ સંતુષ્ટ ન હોય, તો તેઓ આગામી 60 દિવસમાં ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકે છે.

