(નયના દવે દ્વારા)
જામનગર તા.૩૦ઃ
Jamnagar જામજોધપુર તાલુકાના ધ્રાફા-આંબરડી માર્ગ પર શુક્રવારે સવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાતાં બાઇક સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને રોડ પર ફંગોળાઈ પડ્યા હતા અને ધોરીમાર્ગ રક્તરંજિત બની ગયો હતો, અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી મુજબ જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામના વતની ભનુભાઈ રાઠોડ અને તેમનો પુત્ર રોહિત ભનુભાઈ રાઠોડ નામના પિતા-પુત્ર બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એક બોલેરો કારના ચાલકે બાઇકને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માતના આઘાતથી બંને બાઇક પરથી ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતથી મૃતકોના પરિવાર પર આભ ફાટી પડ્યું હોવાનું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. શેઠવડાળા પોલીસે બંને મૃતદેહો નું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે આ અકસ્માતના બનાવ અંગે બોલેરો ચાલક સામે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

