ગેબનશાહપીરની દરગાહેથી દર્શન કરી પરત ફરતા કિશોરનું મૃત્યુ અન્ય એકને ઇજા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨ઃ
Jamnagar જિલ્લાના જોડિયા તાલુકામાં બેફામ અને બેદરકારીપૂર્વક બાઈક ચલાવવાના કારણે જીવલેણ અકસ્માત સર્જાતા એક કિશોરનું કરુણ મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે જોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, જોડિયા ગામના રહેવાસી શોકતભાઈ ફિરોજભાઈ સુરંગી વાઘેરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના સગા સંબંધીઓ સાથે તા. ૩૦ મે, ૨૦૨૬ના રોજ ધ્રોલ ખાતે આવેલી ગેબનશાહપીરની દરગાહે ઉર્ષ નિમિત્તે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ રાત્રિના સમયે તેઓ બે મોટરસાયકલ પર પરત જોડિયા તરફ ફરી રહ્યા હતા.
રાત્રિના આશરે એક વાગ્યાના સમયે ભાદરા પાટિયા પાસે આવેલા ઓવરબ્રિજના કેશિયા ગામ તરફના છેડે, દ્વારકાધીશ હોટલ નજીક પહોંચતા તેમની આગળ જઈ રહેલા નાજીમભાઈ સિદીકભાઈ કકલ વાઘેર પોતાની મોટરસાયકલ સર્વિસ રોડ તરફ વાળવા જતા હતા. તે દરમિયાન પાછળથી આવેલા એક અન્ય મોટરસાયકલ ચાલકે પોતાની બાઈક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી નાજીમભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે નાજીમભાઈ તથા તેમની પાછળ બેઠેલા જુબેરભાઈ રોડ પર પટકાયા હતા. બનાવ બાદ નાજીમભાઈને માથા અને ગરદનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે જુબેરભાઈને ગોઠણના ભાગે સામાન્ય ઇજાઓ થઈ હતી.ઇજાગ્રસ્ત નાજીમભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં બંને મોટરસાયકલોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અકસ્માત સર્જનાર બાઈકચાલક અલબાજભાઈ મુબારકભાઈ ગોધાવીયા (રહે. જોડિયા)એ પોતાની મોટરસાયકલ નંબર જી.જે.-૧૦-ઈ.ડી.-૮૮૧૬ બેફામ અને બેદરકારીથી ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો.જોડિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

