(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
કાલાવડ શહેરના શીતલા કોલોની વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે. આ બનાવથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડના શીતલા કોલોની, રેસ્ટ હાઉસ પાછળ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પૂજાબેન અનિલભાઈ ઠાકોર પોતાના ઘરે એકલી હતી ત્યારે બપોરના બે વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા વચ્ચેના કોઈપણ સમયે અગમ્ય કારણોસર ઘરના છતના હૂક સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઘરે પહોંચતા પૂજાબેન લટકતી હાલતમાં જોવા મળતાં તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે પરિણીતાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસ તેણીના પતિ અનિલ વશરામભાઈ ઠાકોર તેમજ પરિવારજનો અને નજીકના સગાસંબંધીઓના નિવેદનો લઈ તપાસ ચલાવી રહી છે.આ બનાવની વધુ તપાસ કાલાવડ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

