છેલ્લા એક મહિનાથી કામધંધો ન મળતાં ચિંતામાં રહેતા રિક્ષાચાલકે ગળાફાંસો ખાઇ જીવન લીલા સંકેલી
(નયના દવે દ્વારા)
Jamnagar તા. ૧
Jamnagar શહેરના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકડામણ અને બેરોજગારીની ચિંતામાં જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ Jamnagar પાર્ક નંદનપાર્ક-૨ વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા (ઉ.વ. ૩૨) છેલ્લા એકાદ મહિનાથી કામધંધો નિયમિત ન મળવાના કારણે માનસિક તણાવ અને ચિંતામાં રહેતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ આર્થિક પરિસ્થિતિને લઈને તેઓ અવારનવાર ચિંતિત રહેતા હતા. ગઈકાલે રાત્રે પોતાના ઘરે રૂમમાં છતના પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં પરિવારજનોને ઘટનાની જાણ થઈ હતી.
તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે સ્થળ પર પહોંચેલા તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતક ના પત્ની સ્વાતીબા દિવ્યરાજસિંહ ઝાલાએ પોલીસને જાણ કરતા સીટી ‘‘બી‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ. પંકજભાઈ વાઘેલા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને આ બનાવ અંગે અકસ્માત મોત ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કામધંધાની ચિંતા અને આર્થિક મુશ્કેલીને કારણે યુવાને આ પગલું ભર્યાનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

