૧૯૮૩ની મૂળ ફિલ્મના મુખ્ય કલાકારો શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ પણ આ નવી ફિલ્મમાં પરત ફરશે
Mumabi તા.૧
જાણીતા ફિલ્મ નિર્માતા શેખર કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. બંને ‘માસૂમઃ ધ ન્યુ જનરેશન’ માટે હાથ મિલાવી રહ્યા છે, જે શેખર કપુરની ૧૯૮૩ની લોકપ્રિય ફિલ્મ ‘માસૂમ’નું આજના સમયનું રીક્રિએશન હશે.A. R. Rahman અગાઉ શેખર કપૂર સાથે હોલિવૂડ ફિલ્મ ‘એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ’ તેમજ મ્યુઝિકલ થિયેટર પ્રોજેક્ટ્સ ‘બોમ્બે ડ્રીમ્સ’ અને ‘વ્હાય? ધ મ્યુઝિકલ’માં કામ કર્યું હતું,
A. R. Rahman આ ફિલ્મમાં માત્ર સંગીતકાર તરીકે જ નહીં પરંતુ સહ-નિર્માતા તરીકે પણ જોડાયા છે.શેખર કપૂર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓળખ, પરિવાર, પ્રેમ અને સ્થળાંતર જેવા વિષયોને આધુનિક દ્રષ્ટિકોણથી રજુ કરશે, જ્યારે મૂળ ફિલ્મનાં ભાવનાત્મક આત્માને જાળવી રાખશે.શેખર કપૂરે આ ફિલ્મ અંગેનાં નિવેદનમાં જણાવ્યુંઃ “લાંબા સમયથી મને લાગતું હતું કે ‘માસૂમ’ના વિષયો આજના વિશ્વના દ્રષ્ટિકોણથી ફરી રજૂ થવા લાયક છે.
પરિવાર, સંબંધો અને ઓળખ જેવી કલ્પનાઓમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને સિનેમાએ પણ તેની સાથે વિકાસ કરવો જોઈએ. રહેમાન પાસે એવી દુર્લભ ક્ષમતા છે કે તેમનું સંગીત સીધું જ વાર્તા અને દર્શકોની આત્મા સાથે જોડાઈ જાય છે. આ સફરમાં તેને સંગીતકાર અને સર્જનાત્મક ભાગીદાર તરીકે મેળવવા એ ફિલ્મને વધુ અર્થપૂર્ણ બનાવે છે.”એ. આર. રહેમાને જણાવ્યું કે શેખર કપૂર સાથે કામ કરવું હંમેશા કંઇક શીખવાનો અનુભવ રહ્યો છે અને તેમણે કપૂરને પોતાના માર્ગદર્શક અને સર્જનાત્મક શક્તિ તરીકે વર્ણવ્યા. રહેમાને કહ્યુંઃ “જ્યારે તેમણે આ ફિલ્મનું વિઝન મારી સાથે શેર કર્યું, ત્યારે મને માત્ર સંગીતથી આગળ વધીને તેમાં જોડાવાની પ્રેરણા મળી. ‘માસૂમ’માં કંઈક એવું છે જે કોઈ પણ સમયે પ્રસ્તુત લાગે છે અને તેની ભાવનાત્મક દુનિયાને નવી પેઢી માટે ફરીથી રજૂ કરવી અમારા માટે ઉત્સાહજનક અને જરૂરી બંને છે.
”૧૯૮૩ની મૂળ ફિલ્મના મુખ્ય કલાકારો શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ પણ આ નવી ફિલ્મમાં પરત ફરશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષનાં અંતમાં શરૂ થવાનું છે. અમેરિકન લેખક એરિક સેગલના પુસ્તક ‘મેન, વુમન એન્ડ ચાઇલ્ડ’ પર આધારિત ‘માસૂમ’ પ્રેમ, વિશ્વાસઘાત અને પરિવારની જટિલતાઓની વાર્તા હતી. ફિલ્મમાં પતિના ભૂતકાળના સંબંધમાંથી જન્મેલો પુત્ર તેમના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે એક સુખી દંપતીનું જીવન કઈ રીતે બદલાઈ જાય છે તેની વાત હતી.મૂળ ફિલ્મની પટકથા દિગ્ગજ સર્જક ગુલઝારે લખી હતી અને સંગીત સ્વર્ગસ્થ આર. ડી. બર્મનનું હતું. ફિલ્મનાં યાદગાર ગીતોમાં ‘તુઝસે નારાઝ નહીં જિંદગી’ અને ‘લકડી કી કાઠી’નો સમાવેશ થાય છે. ‘માસૂમઃ ધ ન્યૂ જનરેશન’માં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી ઉપરાંત મનોજ બાજપેયી, નિત્યા મેનન અને શેખર કપૂરની પુત્રી કાવેરી કપૂર પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.

