(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨
Jamnagar જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીઓ દરમિયાન એકથી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jamnagar શહેરના વિકાસગુહ રોડ વિસ્તારમાં ન્યુ પટેલ ફરસાણ પાસે સર્વેલન્સ સ્કોડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીનાકીનભાઈ મુકુન્દરાય ભટ્ટને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ. ૧૨,૦૦૦ના દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સીટી ‘‘સી‘‘ ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોર્ડ એ શંકરટેકરી સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં દરોડો પાડી જીતેન્દ્રભાઈ ઉર્ફે પિન્ટુ બાઠીયાને ઝડપી પાડ્યો હતો. તેના રહેણાંક મકાન તેમજ મોટરસાયકલની ડેકીમાંથી કુલ ૪૮ ચપટા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા.પોલીસે રૂ. ૧૪,૪૦૦ના દારૂ ઉપરાંત રૂ. ૩૦,૦૦૦ કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂ. ૪૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામજોધપુર પોલીસ દ્વારા વસંતપુર ગામ નજીક વનકુટીર પાસે વાહન ચેકિંગ દરમિયાન ભગવાનજીભાઈ બોઘાભાઈ સુરેલાને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી પાસેથી દારૂની બોટલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચકોશી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ દ્વારા ખંભાળીડા ગામના નાનાવાસ વિસ્તારમાં દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી મહાવીરસિંહ ઓઘુભા જાડેજા ફરાર હોવાનું જણાતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

