પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાઈ, ત્રણની શોધખોળ
Haresh,Jetpur,તા.13
જેતપુરના દેવકી ગાલોલ ગામના નવા બની રહેલા પુલ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સ્વિફ્ટ કારમાં દારૂની ૧૧૦૪ નંગ ચપલા સાથે બે શખ્સોને ઝડપી લઇ દારૂ સહિત કુલ રૂ. ૪,૭૯,૦૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડામાં સપ્લાયર સહીત ત્રણના નામ ખુલ્યા છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાવળના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, દેવકી ગાલોલ ગામ પાસે બગસરા તરફથી કારમાં વિદેશી દારૂનો જથ્થો જેતપુર તરફ લવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નવા પુલના ડાયવર્ઝન પાસે નાકાબંધી કરી હતી. બગસરા તરફથી એક મોટરસાયકલ અને તેની પાછળ પૂરઝડપે સ્વિફ્ટ કાર નંબર જીજે -05-જેબી-3329 આવતી જણાઈ હતી. પોલીસે વાહનોને રોકવાનો ઈશારો કરતા જ મોટરસાયકલ ચાલક યુ-ટર્ન મારી નાસી છૂટ્યો હતો. જ્યારે કાર ચાલકે પોલીસને જોઈને ગાડી સીમના રસ્તે ભગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાવળના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી, જેથી કારના કાચ તૂટી ગયા હતા અને ગાડી ત્યાં જ થંભી ગઈ હતી. પોલીસે તપાસ કરતા કાર માંથી ૧૮૦ એમ.એલ. ના કુલ ૧૧૦૪ નંગ વિદેશી દારૂના ચપલા કિંમત રૂ. ૧,૪૯,૦૪૦ મળી આવ્યા હતા. પોલીસે ભેંસાણના રૂષાંગભાઈ મુકેશભાઈ ડાંગર (ઉં.વ. ૨૩) અને ઉદયભાઈ આપાભાઈ બસીયાની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો જસદણ ગોખલાણાના હનીભાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે દેવકી ગાલોલના હરદેવ બહાદુરભાઈ જેબલીયાને વેચાણ અર્થે મંગાવ્યો હતો. આ ઉપરાંત, પોલીસ રેડ દરમિયાન મોટરસાયકલ પર આગળ પાઇલોટિંગ કરી રહેલો પૃથ્વીરાજ મુન્નાભાઈ બસીયાનાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

